આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૬૨ : તુલસી-ક્યારો


એ મારા ઘરની લાજાઆબરૂ સાચવતી હતી, સુલક્ષણી હતી, પણ તારૂં તો અંતઃકરણ જ સુનકાર થયું હશે એ હું સમજું છું. હવે એ સ્થિતિ કાંઇ કાયમ તો રાખી શકાવાની નથી. વહેલો કે મોડો એનો નિવેડો તો લાવવો જ પડશે.'

'એમ કેમ માની લ્યો છો તમે?' વીરસુત વચ્ચે બોલી પડ્યો હતો.

'નથી રહી શકાતું એ હું અનુભવે કહું છું. ભાન ભૂલી જવાય છે, કામકાજ સૂઝતાં નથી. પુરૂષની એ પામરમાં પામર સ્થિતિ છે. માટે ગયેલાંને યાદ કરવા ખરાં, પણ તેની વળગણ મનમાં રાખી મૂકી પુરૂષાર્થને હણાવી ન નાખવો બેટા ! વહેલું ને મોડું...'

'હજી એની ચિતા ઠરી નથી ત્યાં જ તમે એ તજવીજ કરવા લાગ્યા બાપુ?'

વીરસુત આ બોલ્યો ત્યારે એને યાદ જ હતું કે અમદાવાદના છાત્રાલયમાં કેટલીએક કુમારીઓ સાથે પોતે તો પત્ની જીવતી હતી ત્યારથી જ તજવીજમાં પડ્યો હતો.

'મુશ્કેલી એ છે ભાઇ !' પિતાએ માળા ફેરવતે જ કહ્યું, 'કે સારી કન્યાઓનાં માવતર આપણી રાહ જોઈને ક્યાં સુધી ટટળે? ને વિવાહમાં તો સહેજ ટાણું ચૂક્યા પછી હંમેશને માટે પત્તો જ લાગવો મુશ્કેલ પડે છે. રહી જાય તે રહી જાય છે. આપણે સૌ મધ્યમ વર્ગના છીએ. ધંધાર્થીઓ છીએ, વ્યવસાયપરાયણ છીએ. માટે ભાઈ, જીવનની બાજી જેમ બને તેમ જલદી ગોઠવીને આગળ ચાલવા વગર આરોવારો નથી. બીજું તો પછી ગમે ત્યારે થાય, તું ફક્ત ઠેકાણાં નજરે જોઈ રાખ.'

'મારી વાતમાં તમે ચોળાચોળ કરશો નહિ!'

એમ કહીને વીરસુતે પોતાને માટે આવતાં બે પાંચ બહુ સારી