આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
લગ્ન : જૂનું ને નવું : ૬૫


કરીને તારા જીવનનો ફૂલબાગ રોપાવું છું? તું કેમ કરીને જાણી શકીશ ? બીજું તો શું ભાઈ ! પણ એને જતન કરીને જાળવજે. કોઇકના જ તકદીરમાં તેજ લખાયું હોય છે. સમજી લેજે કે તારા સંસારમાં એક શક્તિ પ્રવેશ કરે છે.'

વીરસુત કશું બોલી શક્યો નહોતો, એણે તો ભાસ્કરના પગ જ પકડી લીધા હતા.

જેનાં જેનાં લગ્ન-ચોગઠાં ભાસ્કરે ઘડી દીધાં હતાં, તે પ્રત્યેક પાસે લગ્નને ટાંકણે ભાસ્કર કાંઈક આજ ભાવનું બોલેલ. એવું બોલવામાં એ જુઠો પણ નહોતો. પોતે પર સાથે પરણાવેલી પ્રત્યેક કન્યાને પોતાના માટે જ વારંવાર ઝંખેલી. પોતાની સહચારી રૂપે કલ્પેલી, પણ પોતાની ઉમર પ્રમાણમાં મોટી થઈ ગઈ હતી એ કારણે એણે એ કન્યાઓ સાથે બાંધવા માંડેલો સ્નેહ પ્રણયનું રૂપ પામી શકતો નહોતો. છોકરીઓ એને વડીલ તરીકે સન્માનતી ખરી, પ્રેમી તરીકે કલ્પી ન શકતી; એટલું સમજી લઇ એ બીજા જુવાનોને લાભ અપાવતો. એટલે પોતે પ્રત્યેક જુવાનને જે કહેલું તે જુઠું નહોતું. પોતાનું જીવન વેરાન બનાવીને જ એ બીજાના સંસારમાં ફૂલબાગ રોપતો હતો.