આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દેવુનો કાગળ : ૬૭


ખબર ન પડી તેથી તેણે અંતરિક્ષમાં હાથ જોડ્યા ને કહ્યું : 'હે ઈશ્વર ! રંડવાળ્યનો અપરાધ માફ કરજો' એટલું કહીને એણે તરડમાં આંખો માંડી.

'હાશ ! મારા બાપ ! હવે શાંતિ થઇ.' એમ રટતી એ વળતી જ મિનિટે ઊંચા પગે ઓરડા બહાર નીકળી ગઇ ને કહેવા લાગી: 'રાતે ભયંકર લડાઇ લડેલાં અત્યારે પાછાં ગુલતાન છે, એકબીજાને મનાવી રહેલ છે. ઇશ્વર એને ક્ષેમકુશળ રાખો. મહાદેવ એમની સૌ આશા પૂરી કરો.'

પછી તો ભદ્રાએ ઇશ્વરની વિશેષ ક્ષમા માગવાની જરૂર ન જોઇ. વારંવાર એણે તરડમાંથી જોયું અને પ્રત્યેક વાર જોઇ કરી, પાછી હસતી હસતી એ રસોડામાં પેસી ગઈ.

સારી એવી વાર થઈ ત્યારે ભદ્રા કંટાળી : બાપ રે, આ મનામણાં તે કેટલાંક લાંબા ચાલતાં હશે ! આ મનામણાં તો કજિયા કરતાં ય સવાયાં ! અમને તો એક ધોલ લગાવી દેતા, અમે રડી લેતાં, ને વળાતી જ ટંકે પાછું જાણે માફામાફી કરવા જેવું કશું સાંભરતું ય નહોતું.

આઠેક બજે પતિ પત્ની બહાર નીકળ્યાં. જેમતેમ દાતણ પતાવ્યું, લુછ લુછ ચહા પીધી. પ્રોફેસરે હાથમાં રેકેટ લીધું ને પ્રોફેસરની પત્નીએ બહાર જવા મોટર કઢાવી. ત્યાં ટપાલીએ આવીને કાગળો દીધા. એક કવર પર કાચી હથોટીવાળા અક્ષરો હતા. ફોડીને કંચન વાંચવા લાગી. વાંચીને એને ભદ્રાને કહ્યું, ' ભાભીજી, આ તો તમારે ઘેરથી કાગળ છે. ઓહો ! તમે તો અનસુને ઘેર મૂકીને આવેલ છો એ તો મને યાદ જ નહિ રહેલું. આ લ્યો કાગળ.'

'તમે જ વાંચી સંભળાવો ને મારી બેન કરૂં ! મારા હાથ અજીઠા છે.' ભદ્રારે રોટલીનો કણક બાંધતે બાંધતે કહ્યું.