આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૭૪ : તુલસી-ક્યારો


'બારણું બંધ કરી દઉં?' દાદર પાસેથી કોઈ જતાં આવતાં જોવે તો સુગાય તેમ ધારી કંચને કહ્યું.

'ના, બિલકુલ જરૂર નથી.' ભાસ્કરનો એ જવાબ ચોખ્ખોચટ હતો. પોતે જે આચરણ કરે છે તે સ્વાભાવિક સરલતાપૂર્વક જ કરે છે એવું સૌ લોકોને સ્પષ્ટ કરવાની એની ચીવટ હતી. વસ્તીવાળા મકાનમાં પોતે કોઇના વ્હેમ સંશયને પાત્ર બન્યા વગર એકલો રહી શકતો તેમાં આ કળા જ કારણભૂત હતી. માથું દબાવતો ને તેલ ઘસાવતો ભાસ્કર જરીકે વિહ્‌વળ નહોતો. એ સોફા પર સૂતો તેમાં પણ સ્વાભાવિકતા હતી. એનું લલાટ ઘસતી કંચન એના ઉપર ઝુકી રહી હતી ત્યારે પણ ભાસ્કરની સ્થિતિ સ્વાભાવિક જ હતી. પછી કંચન સોફાની કોર પર બેસી ગઈ, ને એણે ભાસ્કરનું માથું સગવડને ખાર ખોળામાં લીધું તો પણ ભાસ્કરની સમતામાં ફેર નહોતો પડ્યો. સૂતો સૂતો એ કંચનને એના પ્રશ્નોના જવાબ દેતો જતો હતો. એક જવાબ આ હતો-

'તને ન જ ફાવતું હોય તો છુટાછેડા લઇ લે. તમારૂં તો સીવીલ મેરેજ છે.'

'પછી ક્યાં જાઉં !'

'આવડી દુનિયા પડી છે. તું ભણેલી ગણેલી છે. નોકરી કરજે, ઇચ્છિત જીવન સ્વતંત્રપણે ગાળજે.'

કંચનને ગળે ઝટ ઝટ ઉતરી જાય તેવો આ શેરો નહોતો. નોકરી કરવાની કડાકૂટ, છેક આટલાં વર્ષે, પારકા રળનારના ખર્ચે મોજમજા માણવાની લાંબી ટેવ પડી ગયા પછી, થઇ જ શી રીતે શકે? સ્વતંત્ર જીવન જીવવા બેસું તો પછી મારૂં ઢાંકણ કોણ ? આજે પરણીને બેઠી છું તો ફાવે ત્યાં ફરું છું, કોઇ ઊઘાડું નામ લઇ શકે છે? ને પછી તો સૌ આબરૂ ઉપર પાણા જ ફેંકે ને?