આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


દીધું હોત. આ વાર્તા ભદ્રાના પુનર્લગ્ન કે ચિરવૈધવ્યનો પ્રશ્ન છણવા માટે લખાઈ જ નથી. કુટુંબ-જીવનના ક્યારામાં 'તુલસી' સમી શોભતી ભદ્રાને, એ ક્યારામાંથી ઉખેડી બીજે કોઈ ઠેકાણે વાવવાનું કશું પ્રયોજન નહોતું. ભદ્રાને તો જે રુપે મેં આલેખી છે એ રૂપે જ એ મારા મનોરાજ્યમાં પરિપૂર્ણપણે જીવતી છે, ને એ રૂપે એનું જીવન મને સભરભર ભાસે છે. જીવનની એ 'સભરભરતા'માં દુઃખ અને સુખ, હાસ્ય અને આંસુ, ઉચ્છવાસ ને નિઃશ્વાસ ભેળાં જ ભર્યાં છે એને પરણાવી દેવા જેવું કે કોઈ દવાખાનાની નર્સ નીમાવી દેવા જેવું બનાવટી જીવન સાફલ્ય બતાવીને શું કરું?

'ભદ્રા જીવતી છે' એમ કહ્યું, તે પરથી રખે કોઈ કલ્પજો કે મેં ભદ્રાને જીવતા કોઈ માનવી સંસારમાંથી ઉઠાવી છે. 'વેવિશાળ'ના વાચકો તેમજ વિવેચકોમાં પણ એ ભ્રમણા રમી ગઈ છે, એ આવાં હુબહુ પાત્રો કોઈક જીવતાં માનવજીવનમાંથી મને જડ્યાં હોવા જોઈએ. આ વિભ્રમ પર લંબાણથી લખવાની જરૂર છતાં અહીં તે શક્ય નથી. પણ ખાત્રી આપું છું કે 'વેવિશાળ' કે 'તુલસી-ક્યારો' માંનું એક પણ પાત્ર આલેખતી વેળા મારી જાણનું કોઈ જીવતું માનવી મારી નજર સામે હતું નહિ. એ બધાં પાત્રો આ બેઉ વાર્તાઓમાં સાવ સ્વતંત્ર પણે જન્મેલાં, જીવેલાં, હસેલાં ને રડેલાં છે. ને મારે મન તો એ સત્ય-જગતનાં માનવીઓ જેવાં જ- બલકે એથી પણ વધારે 'જીવતાં' છે. વાચકની લાગણીમાં પણ એ 'જીવતાં' છે, પણ તેનું કારણ એ નથી કે તેઓ કોઇ જીવતા માનવીની તરસ્વીરો છે. એના વાચનથી આસપાસની દુનિયાનાં અમૂક માનવો યાદ આવે છે એ વાત ખરી-પણ તે તો વાચકે વાચકે જુદાં જુદાં માનવો હોય છે. એ જ બતાવે છે કે અમુક ચોકસ નરનારીઓ પરથી આ આલેખનો થવાં સંભવિત નથી.

વાર્તા લખાઇ ગયા પછી એક અકસ્માત થયાનું યાદ આવ્યું છે. 'નિરંજન'ની જેમ આંહી પણ માસ્તર પિતા ને પ્રોફેસર પુત્ર પેસી ગયા છે. આમ કેમ બન્યું હશે ? હું પણ સમજી શક્યો નથી.

રાણપુર
તા.૨૭-૭-'૪૦
ઝવેરચંદ મેઘાણી