૮૪ : તુલસી-ક્યારો
'કહીશ,'
'શું કહીશ?'
'કે ચાલો ઘેરે. દાદા બોલાવે છે.'
'મેં તો બોલાવેલ નથી. દેવલા, મેં તો તને તેડવા જવા કહ્યું નથી.'
'તો પણ-હું જૂઠું બોલીશ. મેં તુલસી-ક્યારે પગે લાગી જૂઠું બોલવાની રજા લીધી છે.'
'દેવુ !' દાદા ગુસ્સે થતા હતા કે રૂદન કરતા હતા તે નક્કી કરવું કઠિન હતું; 'તારે ત્યાં નથી જવું, ના, નહિ જવા દઉં. એ તને અપમાનશે. એ આપણી કોણ, કઇ સગી ! એણે કોરટમાં.... મારાં આ પળીઆં તો જો દેવુ ! એણે મારા આ પળીઆં તરફ પણ ન જોયું. એણે તારા બાપને... એને તું બા કહેવા જઇશ?'
'હા દાદા, મને એક વાર જવા દો, હું એમને કહીશ.' દેવુ બોલી શકતો નહોતો.
'પણ તું શું કહીશ?'
'કંઈક કહીશ, અત્યારે શું કહું કે શું કહીશ? જે કહેવાનું મોં પર આવશે તે કહીશ.'
'મારો દીકરો ! શાબાસ ! પણ નહિ, તને ક્યાંઇક... તને એ ક્યાંઇક...'
ડોસા કંઈક ભયંકર વાત કહેતા કહેતા રહી ગયા. પછી 'દેવ, મને જવા દે. તું ઘર સાચવ.'
'ના, મને જવા દો દાદા.'
'એકલો કેમ જવા દઉં?'