આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તુલસી કરમાયાં : ૮૫


ત્યાં તો પાછળની પરશાળેથી એક સ્વર આવ્યો : 'હું જ દેવુ જોડે જાઉં તો !'

એ સ્વર જાડો ન ભરડાયેલો હતો. બોલનાર પાછલી પરશાળમાં ઊભા ઊભા બારીમાં ડોકાતા હતા.

એ હતા અર્ધાઆંધળા જ્યેષ્ઠારામ : એણે આ ઘરની પરશાળમાં આસન જમાવ્યાને આજે બેક વર્ષ થઈ ગયાં હતાં. પણ કોઈ દિવસ એણે ઘરની કશી વાતમાં રસ લીધો નહોતો. એણે બેટંક થાળી ભરીને ભોજન, અને બાકીના વખતમાં બને તેટલી નીંદર વગર કશું જાણે કે જીવવા જેવું આ જગતમાં જાણ્યું નહોતું. એણે પાણીનો એક પ્યાલો પણ ઉપાડીને દૂર મૂક્યો નહોતો. ઘરનો ધરાર-ધણી બનીને બેઠેલો એ દગડો, આંધળો, અને વખત આવ્યે કાળઝાળ વઢકણો માણસ આજ એકાએક જાણે મસાણમાંથી ઊઠીને બોલ્યો 'હું જાઉં!'

એ ઘાંટો બિહામણો લાગ્યો. બુઢ્ઢા સોમેશ્વરને ચીડ ચડી. કોઇ દિવસ નહિ ને આજે જ એમનાથી જવાબ અપાઇ ગયો કે, 'બેઓ, બેસો, સમજ્યા વગર શું કહો છો કે હું જાઉં.'

'ના; સમજીને પછી જ કહું છું. મને ખબર ન પડે ભલા? આ ઘરનું બે ટંક અનાજ ખાઉં છું તે શું હરામનું ખાઉં છું?'

સોમેશ્વરને આ જવાબે વિશેષ ચીડવ્યા. એણે ફરીથી કહ્યું : 'બેસો બેસો છાનામાના.'

'તો ભલે.' એટલું કહીને જ એ પોતાના આસને બેસી ગયો. ને દાદાએ દેવને કહ્યું 'ના દેવુ, તારે નથી જવું. તાર કરવા દે.'

તાર મોકલીને ફરી વાર ડોસાએ હ્રદયમાં શૂળા ભોંકાતા અનુભવ્યા. એણે ફરી વાર કામળાની સોડ તાણી, એણે સારા સમચાર ન આવે ત્યાં સુધી અન્નનો ત્યાગ નિરધાર્યો.