આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૪
વસુંધરાના વહાલાં-દવલાં
 

દીકરો હોય તેવી રીતે મારા ખોળાને ઓશીકે જ મોઓં.”

“તો હું ય તારા ખોળાનું મરણ-ઓશીકું માગું છું. બીજું કશુય તારી કને નહિ માગું. મારું ઘર સાચવીને રે’જે, ને જગતની નજરે જ ફક્ત મારી આ નાટક-લીલા ચાલુ રે’વા દેજે, બાઈ, કે ટુ મારી પરણેતર વાણીયણ છો.”

“મને દગો તો નહિ દ્યો ને, કાકા ?”

“દગો શીદ દેત ? આગલે જ સ્ટેશને પોલીસમાં ન સોપી દેત ?”

તેજુને ગળે ઘૂટડો ઉતર્યો.

“સવાલ તો મારો છે, બાઈ, કે તું મને દગો દઈને ચાલી નહિ જા ને કોઈ દા’ડો ?”

“હું ચાલી જઈ શકી હોત તો મારી આ દશા ન થાત, કાકા ! મારું અંતર જૂની ગાંઠ ન છેડી શક્યું તેના જ આ ફળ ભોગવું છું. “ બોલતા બોલતા તેજુની આંખો ચકળવકળ થઇ રહી.

બાકીનો રસ્તો તેજુની જીવનકથાના અથ-ઇતિ વૃતાતે જયારે પૂરો કર્યો ત્યારે બુઢાપાના ‘વન’ના પ્રવેશ કરનાર પચાસ વર્ષના પુરૂષને વિશ્વાસ બેસી ગયો કે તેજુ એને દગો નથી દેવાની.

આગગાડી છોડીને લાડા-લાડીનો ઢોંગ કરતા એ કાકો-ભત્રીજી ઘરની ધરતીની કોર નિહાળતા હતા ને સૂર્ય એ ધરતીની કોર પરથી સિદૂરવરણું ડોકું કાઢતો હતો.

તીર્થ-વિધિનું બહાનું આપીને તેજુને જે લગ્ન-શણગાર પહેરાવેલા હતા તેની ઝલક સૂર્યે નિર્દયપણે ઉઘાડી પાડી દીધી. તેજુના કપાળમાં કંકુની જે પીળ કાઢેલી હતી તે આખી રાતના જાગરણને પ્રતાપે અખંડિત હતી. તેજુ નહોતી જાણતી કે પોતાનું રૂપ એ પ્રાત:કાળની એક સુરજ-પાંદડી સમું પ્રકૃતિના અરૂણ-ઉઘાડમાં કેટલું એકરસ બની રહ્યું હતું. પોતાનો તો પ્રાયક્ષિતનો પહેરવેશ છે એવી મીઠી ભ્રાંતિ એને આટલા બધા રૂપના મદમાંથી બચાવી રહી હતી.

પુરુષે પોતાને ગામ તાર તો આગલા દિવસે જ દઈ રાખ્યો હતો.