આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૭
વસુંધરાના વહાલાં-દવલાં
 

ભરનારીઓના ડગલાને દોઢય વળી, ઘૂમટાની લંબાઈ વધી, બેડાને ચક-ચકાટ ચડ્યા, ઈઢોણીએ મોતીઓ જડાયા, ચરણીએ હીર ડોકાયા. જેમને પોતાની વહુદીકરીઓના આવા શણગાર કવાની ત્રેવડ નહોતી તેમની બાયડીઓએ નવાણે જવાના નોખા લાંબા પંથ પકડ્યા. કોળી, વાઘરી ને વાણંદની વહુવારુઓએ શેઠની ડેલી પાસે નીકળવાની હિમંત છોડી, કેમકે પ્રતાપ શેઠનું દાતણ એટલે તો પંદર-વીસ પરોણાનો દાયરો; ફરતાં પાંચ ગામડાનો મોભો, મલાજો, ઢાંકણ. ઘોડે ચડીને ગામમાં આવતો કોળી પાદરમાંથી જ નીચે ઉતરીને ઘોડું દોર્યો આવતો; ને ઘોડે ચડ્યો ગરાસિયો ગામના છીડા ગોતીને પોતાને મુકામે પેસી જતો.

‘હક્ય્મ જેવો બેઠો છે, બાઈ ! ‘ ગામ-નારીઓ વાતો કરતી. ‘ દી વળ્યો છે એમ ડિલેય કેવું વળ્યું છે, બાઈ ! પેટે તો વાટા પડે છે પરતાપ શેઠને ! ‘

સાંજ પડતી ત્યાં ઉઘરાણીની થેલી ઉપાડીને ગામમાં આવતો શેઠનો સંઘી ગોદેસવાર ગામના દરબારોને નિસ્તેજ બનાવી દેતો. એનો તરવાર-પતો પાવલીઓના રણકારો કરતો ને એના હાથની બંદૂક દુશ્મનોના હૈયા ડારતી. રજપૂતોની એક પછી એક જમીન પોતાના બંધાણી ધણીઓથી રિસાઈને શેઠને ચોપડે બેસણું શોધવા લાગી. પ્રતાપના ચોપડાએ જમીનોને ખાતરી આપી કે આ દસ્તાવેજોનાં દ્વારમાંથી તમને કઢાવી જાય એવો ગરાસિયો હવે જનમ લેવાનો નથી.

સ્વાદના શોખીનો ‘ પ્રતાપ અમરાની પીપરડી’ પર મીટ માંડે છે. પૂડલા ખાવાની તલબથી ત્રાસતા ન્યાયાધીશ પીપરડીનો કેડો સાંધે છે. લાડુના ભૂખ્યા લોકસેવકો ખેડૂતોના રોટલાથી થાકી પ્રતાપ શેઠની પીપરડીને પોતાના માર્ગમાં લયે છે. સવા રૂપિયાથી માંડી સવાસો રૂપિયાની ટહેલ નાખનાર વિપ્રને સૌ કોઈ પ્રતાપ શેઠની પીપરડી જ ‘ બંગલા ‘ ચીધાડે છે.