આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૧
વસુંધરાના વહાલાં-દવલાં
 

નજર પોતાની જમીનો પર પડી. ખેતરો જે દિવસ શેઠને ઘેરે માંડી આપેલાં તે દિવસ યાદ આવવો મુશ્કેલ હતો. તે દિવસે એ ખેતરો નહોતાં, બોરડીનાં જાળાં જ હતાં. આજે એ જ જમીન ઉપર કેડ સમાણા કપાસનાં ને દોઢ માથોડું લીલવણી છાસટિયાનાં ઝકોળ બોલતાં હતાં.ભાંગેલી ગરેડીઓ બળદોનાં કાંધમાં ઊંડાં ચીર નહોતી પાડતી, કાળા હાથી જેવાં ઓઈલ-એન્જિન પોતાની લાંબી સૂંઢો પાતાળમાં ઉતારીને કુવામાંથી પાંચ-દસ ધોરિયાનું સામટું પાણી ખેંચતાં હતાં.

એ બધી સમૃદ્ધિનો પ્રતાપ શેઠ જાણે કે ચોર હતો. ગરાસિયાઓની આંખો ફાટી ગઈ. આ વસુંધરા કોની ? અમારી; અમારા બાપદાદાની તરવારે હાથ કરેલી; ને અમારા વીર વડવાઓનાં રુધિરે તરબોળ બનેલી.

ગરાસિયાઓનાં ભેજાંમાં જૂની એક કહેણી રમતી થઈ : લીલાં માથાં વાઢીને ખાતર તો આ જમીનમાં અમે પૂર્યું છે - અમે એટલે અમારા વડવાઓએ, ને આજ હવે વાણિયું એની નીપજ્યું લેશે ? આપણાથી બીનો છે શેઠિયો, નીકર ઓટે બેસીને દાતણ કરતો કેમ મટી ગયો ? બહાર જ ક્યાં નીકળે છે ? પૂંછડી પગ વચાળે નાખીને લપાઈ ગયો છે. જરાક જોર કરીએ તો જમીનું ઓકાવી નાખીએ.

ઇંદ્રનગરની નિશાળોમાંથી નાસી આવેલા ગરાસિયા છોકરાઓ રાવળો અને કુંભારોનાં ગધેડાંને પકડી પકડી ડબામાં પૂરવાનો ઉદ્યમ કરતા હતા. હાથલા થોરના ડોડા ફોલી ફોલી ખાતા, તેતર અને હોલાંના માળામાંથી ઈંડાં ચોરી ચોરીને ચૂસતા હતા. નિશાળો તેમણે છોડી દીધી હતી; કારણ કે શે'રના છોકરા એમને ' તખુભા તમે ' કહેવાને બદલે ' તખતસંગ તું ' એવી તોછડાઈથી સંબોધતા હતા. એ છોકરાઓની જુવાનીમાં ઘરડા બંધાણી વડીલોએ ઝનૂન ફેંક્યું. પહેલી વાર પ્રતાપ શેઠની કડબની ગંજીમાં આગ મુકાઈ. બીજી વાર શેઠનો ઊભો કપાસ ભેળાયો. ત્રીજી વાર શેઠના ખેડુનાં નાનાં નાનાં છોકરાં પર લાકડીઓનો માર વરસ્યો અને એક વાર બબ્બે મહિનાની ટીપ ભોગવીને પાછા ફરેલા જુવાનોની અદબ તૂટી ગઈ. જેલ જવામાં તો આબરૂનો ઉમેરો છે : આપણેય આપણા હક માટે જેલ