આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૨
વસુંધરાના વહાલાં-દવલાં
 

જાયેં છયેં ને ? એ વિપરીત વિચારસરણી ગરાસિયાના છોકરાઓનાં મનમાં ઘર ઘાલી બેઠી. ધીરે ધીરે પ્રતાપ શેઠે ગામ છોડવાનાં પગલાં ભર્યાં. ભાવિ એને કાળું ભાસ્યું.

ઇંદ્રનગરના મરહૂમ ઠાકોર સાહેબે એક અમૃતફળનું બી વાવ્યું હતું. અધોગામી ગરાસિયાઓને એણે ભણાવી ભણાવી રાજની નોકરીમાં ભરવા માંડ્યા હતા. ઉપલાં વરણોએ સેંકડો વર્ષથી લગભગ ઇજારે જ કરી કાઢેલો રાજવહીવટ એણે નિશ્ચેતન અને સડેલો બની ગયેલો નિહાળ્યો હતો. નાગર કારભારીઓ સૌને નાગરાણીને જ પેટે અવતાર લઈને નોકરી માગવા આવવાનું કહેતા. બ્રાહ્મણોન કારભારામાં પૂજારીઓનાં જ વર્ષાસનો અને દેવસ્થાનોનાં જ ' દિવેલિયાં ' વધ્યાં હતાં. વાણિયા પ્રધાનો, લુહાણા પ્રધાનો, ગુજરાતના પાટીદાર કારભારીઓ-પ્રત્યેક રાજને કોમી ઇજારાનું ખાતું કરી મૂકેલ. બહારથી આવનારા એ મહેમાનોએ રાજની ધરતી સાથે કદી હૃદયોને સાંકળ્યાં નહોતાં. તેઓ ' પરદેશીઓ ' હતા. ઘર ભરી ભરીને ચાલતા થયા. તેઓએ સરકારી શસકોને રાજની કોથળીઓ વડે સાધ્યા, છતાં રાજાની તો માટીની પ્રતિમા જ બનાવી નાખી. તેઓ બાપુને એક જ દલીલથી ચૂપ કરતા રહ્યા : ' રાજ ખોઈ બેસશો. સરકારી પ્રપંચોનો પાર આપ શું પામવાના હતા ? કુંવર સાહેબને વિલાયત ઉપાડી જતાં વાર નહિ લગાડે, ને ત્યાં મઢમના પ્રેમમાં નાખી દેશે તો રાજનો વારસ બનવા ગોરો છોકરો ઊતરશે. તે દી તમે તો નહિ હો બાપુ, ને અમેય નહિ હોઈએ, પણ વસ્તીના નિસાસા આપણી ચિતાઓને માથે વરસતા હશે.'

એવાં વિચાર-ચક્રોમાં બહુકાળ સુધી ચગદાતો ચગદાતો રાજા એક દિવસ ચક્રો ભેદવાનું જોર વાપરી શક્યો. એણે નિરુદ્યમી ગરાસિયા બાળકોને અપનાવવા માંડ્યાં.

એટલામાં એનું મૃત્યુ થયું. પછવાડે પાંચ વર્ષના કુંવર રહ્યા ને પચીસ વર્ષની વિધવા રાજમાતા રહી. મરહૂમ ઠાકોરના મિત્ર અને પ્રશંસક અંગ્રેજોએ રાજને વાણિયા, બ્રાહ્મણ કે નાગરોના હાથમાંથી સેરવી લઈને