આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૧
વસુંધરાના વહાલાં-દવલાં
 


ચાર દિવસ પછી એણે લાલકાકાની સામે એક ચંદરવો ગાદલાં પર ઢાંકેલો ધ્રી દીધો.

" અરે ! " લાલકાકાએ યાદ કર્યું : આવા પુરાતન કસબ પર તો આંહીં શે'રનાં સરૈયા અવાયા પડે છે. "

" તો હીરનાં આંટલાં અને રાતાં આસમાની ચોળિયાંના કટકા લાવી આપશો ? "

એ સોય, એ હીરદોરા, ને ચોળિયાંના ટુકડાએ એક દસકાના સમયપટ પર ગુજરાતણોએ કદી ન જોયેલી ને ન જાણેલી ફૂલ-સૃષ્ટિ ઉતારી છે, ને તેમાંથી એક ભેંસનો ખીલો બંધાયો છે. મહીં વલોવીને પરાયાં બાળકોને કંઠે તેજુ છાશ રેડે છે. પારકા કંઠનો એ ધોરિયો પોતાના બાલકને મોંએ પહોંચશે એવી આસ્થા ભલે મૂરખાઈભરી હો, પણ હસવા યોગ્ય ન હજો, કેમ કે આ આસ્થાની સરવાણી એક માના હૈયામાંથી ફૂટેલી હતી.

સાઠ વર્ષના લાલકાકાની દુકાને તેજુની કારીગરીની થપ્પીઓ પડી છે. એમાંથી અક્કેક અક્કેક કરીને નંગ લાલકાકા ઠેકાણે પાડે છે. ખરીદી જનારાઓ આવા જરીપુરાણા ભરતકામનાં મોં-માગ્યાં દામ કેમ આપી જાય છે એની લાલકાકાને ગમ નથી. એ નમૂના રૂપનગરની મહેલાતોમાં શોભા-સણગારો બનવા જાય છે. જિલ્લાની રાજધાની રૂપનગરની કલામુગ્ધ અથવા કલાદંભી લક્ષ્મીનંદિનીઓ તેજુની સોયમાંથી ટપકતાં આ ભરત બતાવી પરદેશી પરોણાઓના અહોભાવ મેળવતી હતી. મુંબઈ-અમદાવાદના કલા-શિક્ષકો તેજુની કારીગરીમાંથી અજંતા-યુગની કે જિપ્સી જીવનની રંગરેખાઓ પકડવા મથતા હતા. તે વાત જો કોઈએ તેજુને કે લાલકાકાને કહી હોત તો તેઓ પોતાની મશ્કરી માનત. ખરીદી કરી જનારા કોઈએ લાલકાકાને આ કીમિયો બતાવ્યો નહિ. દલાલી એ એકમાત્ર જે દેશનો ધંધો બનેલ છે તે દેશના મૂઠીભર મૂળ સર્જકોને-શોધકોને સીધાં બજારો સાથે સંબંધ ન બાંધવા દેવાં એ જ પેટગુજારાનો કરુણ કીમિયો બન્યો હતો.