આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

2

‘કડી મળી ગઈ’

તળાવડી નિર્જળી હતી. મરેલાં કૂતરાંને ઢસરડી ભંગિયા ત્યાં નાખી આવતા ને પછી ગીધ-સમળીઓનું ટોળું વળીને ત્યાં જમણ કરતું. દસ વર્ષ પૂર્વે એ તળાવડીને કાંઠે એક ડોસીએ આપઘાત કર્યો હતો ને પછી ત્યાં 'ચળીતર ભૂત' થવાના ભણકારા આવતા એટલે કૂઈ બૂરી નાખવામાં આવી હતી. રાત પડ્યે એકલદોકલ વટેમાર્ગુઓ ત્યાંથી ન નીકળતાં. ગામની પેલી બાજુએથી ફેર ખાઈને આવજા કરતાં. આજે ત્યાં આડોડિયાંનો પડાવ હતો. આડોડિયાં પડ્યાં છે એ વાતની ખબર પડતાં આખા ગામની છાતી બેસી ગઈ હતી. અમરચંદ શેઠને આ ખબર પાછળથી પડી. ત્રાજવા ત્રોફવાનું બહાનું કાઢીને એ બાઈ પોતાનું ઘર તપાસી ગઈ છે એવો એને અંદેશો પેઠો. તુરત જ એણે ગામના પોલીસ-પટેલને બોલાવ્યા. આખી રાત પોતાના મકાન પર ચોકી બેસાડી. વળતા પ્રભાતે તો આડોડિયાનો પડાવ ઉપડી ગયો, છતાં અમરચંદ શેઠનો જીવ ન રહ્યો. એણે જાતે જ ખીજડાતળાવડી નજીક એક આંટો માર્યો. ઊપડી ગયેલા પડાવનાં સંભારણાં પડ્યાં હતાં. પથરાના માંડેલા મગાળા (ચૂલા) અને એની રાખના ઢગલા દેખાતા હતા. બળદના પોદળા પડ્યા હતા. આડોડિયાંની ભયાનક બાયડીઓએ માથું ઓળીને ફેંકેલી તૂટેલા વાળની ચીંથરીઓ આમતેમ હવામાં દોડતી હતી.

તેની વચ્ચે એક નાનકડી તંબુડી હજુ રહી હતી. સફેદ કપડાને બે લાકડીઓ પર ટેકાવીને ઘોલકી જેટલું ઊભું કરેલું એ ઘર હતું. એની અંદર ફક્ત અરધું શરીર છાંયે ને અરધું શરીર તંબુડીથી બહાર ઢાળીને એક જુવાન સ્ત્રી પડી હતી. એ તેજુ હતી. બહાર એક બુઢ્ઢો અને એનું ગધેડું હતાં. ગધેડાને પગે ડામણ નાખીને બુઢ્ઢો ચરવા છોડતો હતો.એક મંગાળા પર કાળું દોણકું ચડાવીને બુઢ્ઢાએ કશુંક ખબબદવા મૂક્યું હતું. બુઢ્ઢાનો રંગ કાળો હતો. એની દાઢી પક્ષીઓને માળા બાંધવાનું