આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૫
વસુંધરાના વહાલાં-દવલાં
 

ને રોટલાના ટુકડા વાસ્તે ગજબ જાનજોખમી રમઓ કરતાં'તાં એ બે છોકરાં : આપણી જ ગામ-ભાગોળે એ ડોસો ઘેલાં કાઢતો કાઢતો પોતાનાં બે છોકરાંને ઊંચા દોરડા પર નાચ નચાવતો હતો. પંદર વરસનો છોકરો ને દસ વરસની છોકરી દોર ઉપર શી કમાલ કરતાં'તાં ! છોકરી બેઉ આંખે આંધળી ગાતી ગાતી હાથમાં લાંબો વાંસ અધ્ધર રાખીને દોર પર નાચે, છોકરો સામી બાજુએ ઊભો ઊભો દોરને ભયાનક જોરથી ધુણાવે, અને એંસી વર્ષનો મદારી મોટી રીંછણ સાથે લોહીલુહાણ બાથંબાથી કરે, અરે, છોકરાનાં નોઢા માથે અખૂટ હાસ્યનો ઝરો ચાલ્યો જાય, એ એક હસવાની સિદ્ધિએ જ રૂપનગરનાં કલાપ્રેમીઓને ગાંડાતૂર કરી મૂક્યાં છે. આંહીં એ છોકરાને બેફાટ હસતો દેખીને લોક દાંતિયાં કરતાં હતાં. એનું સાચું મૂલ અમે રૂપનગરમાં કરાવ્યું છે. હજુ પાંચ જ મહિના પહેલાંની વાત છે."

તેજુ એકાગ્ર બનીને સાંભળી રહી.

" એ છોકએરા-છોકરીના પોશાક પર રૂપનગર ઓછું ઓછું થઈ ગયું છે. એનાં વસ્ત્રોની ભાત ત્યાં જડતી નથી. એનાં એ વસ્ત્રો અમે જેની પાસેથી લીધાં તેને ગોત્યો. તેણે બીજાને ગોત્યો. એમ ગોતતાં ગોતતાં મેં તમારો પત્તો મેળવ્યો છે. એ તમારી કારીગરીને શોધતો શોધતો આંહીં પહોંચ્યો છું. રૂપનગરનાં થિયેટરમાં મારે તો જાહેરાત કરવી છે કે ' હસતા કુમાર અને અંધ કુમારી'ના પોશાક મેં ક્યાંથી મેળવ્યા છે. "

" છોકરો હસતો'તો, હેં ભાઈ ? " તેજુએ ગળતે મોંએ આ પ્રશ્ન પૂછ્યો.

" અહોરાત એ તો હસ્યા જ કરે છે. એક વાર દોર તૂટ્યો ને પોતે પડ્યો તોપણ મોં પર તો મલકાટનો મલકાટ. ઈશ્વરી જ બક્ષિસ. રૂપનગર ગાંડું તૂર : ચિત્રકારો એના સ્કેચ દોરે, જુવાન છોકરા-છોકરીઓ પોતાની સોનેરી ચોપડીઓમાં એના અક્ષરો લખાવવા આવે. બાપડો નિરક્ષર, લખે તે શું ? પોતાના હોઠ ચાંપીને છાપ પાડી આપે, ને અંધી