આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૬
વસુંધરાના વહાલાં-દવલાં
 

છોકરી પોતાની આંસુભરી આંખો કાગળ પર ચાંપી આપે. રૂપનગરને ઘેલું બનાવ્યું છે. પણ મારે તો હજુ રાજ-રજવાડામાં એને લઈ જવાં છે. મોટામાં મોટી એક નાઈટ પંદર દિવસ પછી રૂપનગરને આપવાની છે. આંધળાં છોકરાંના વિદ્યાલયના લાભાર્થે એ બેનિફિટ નાઈટ થવાની છે. કદાચ કલેક્ટર સાહેબ પણ પધારશે. માટે તમારી પાસેથી આ ભરત ખરીદવા આવ્યો છું, ને સાથોસાથ તમને પણ સુપ્રસિદ્ધ કરવાં છે, બહેન ! તમારી ચીજોની માંગના ઢગલા થશે. "

" એ હસ્યા જ કરતો'તો ? કેટલાં વરસનો લાગ્યો, ભાઈ ? "

" પંદર જેટલાં. "

અજાણ્યા રસિકચંદ્રને આવા પ્રશ્નો પૂછતી બાઈ વિચિત્ર લાગતી.

" ને છોકરી કેમ રોતી'તી ? "

" રોવાના જ પૈસા મળે છે ને ! પેલાના ન બિડાતા હોઠ પર હાથ ફેરવતી છોકરી ઊંચા દોર પર નાચે, ગાય ને રડે, ત્યારે તો મેદની આખી રડવા લાગે છે, બહેન ! તમને જોવાનું દિલ હોય તો હું લઈ જવા તૈયાર છું. ત્યાં કલેક્ટર સાહેબની પાસે હું તમને રજૂ કરવા પણ શક્તિમાન છું, કેમ કે તમે ત્મારા ભરતકામમાં જે પશુપક્ષીઓ ને માણસોની આકૃતિઓ ઉતારો છો તે બધાંની જાત જ જુદી છે. એ તો ' જિપ્સી 'ઓનું જ જગત. એ ઓલાદ જ આપણા દેશમાં જડતી નથી. જેની ઓલાદ જડે નહિ તેની જ આકૃતિનાં મૂલ મોઘાં છે.

તેજુનું મોં વિચારના અકલિત અંધકારમાં કશુંક શોધતું હતું. રસિકચંદ્રે એ મોંને કેમેરામાં ઉતાર્યું. પછી એણે વિદાય લીધી.લાલકાકા ને તેજુ એકલાં પડ્યાં.