આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૮
વસુંધરાના વહાલાં-દવલાં
 


કાઢી રહી છે ! “

પણ તેજુ ઘેલાં નહોતી કાઢી રહી. એણે ખાતરી આપી : “ એ હસતો જ હતો. એને આશ્રમવાળા મારતા તોપણ એ આંસુ ખેરતો ખેરતો હસતો હતો. બે નાનાં છોકરાંએ મને વાત કરી હતી. એ વાત મેં તમને નહોતી કરી ? નહિ કરી હોય. એ જીવતો છે. એના અંગને માથે મારાં ભરત-કામ ચડ્યાં હશે ! ખરી વાત ? મારી આંગળીઓમાં ઘણી ઘણી વાર સોય ભોંકાણી છે. લોહીના ટશિયા આવ્યા છે. એટલું બધું લાલચટક લોહી કેમ નીકળતું હતું ? મારા હાથ શાક સમારતાં સમારતાં ચાકુએ વઢાયા છે ત્યારે આવું લાલચોળ લોહી કેમ નથી નીકળ્યું - એ જ વિચારી જુઓ ને ? “

લાલકાકા મૂંઝવણમાં પડ્યા. જે શરીરને સ્પર્શ સરખોય ન કરવાનું નીમ એણે એક જ ઘરની અંદર આજ પૂરા એક દાયકા સુધી અણિશુદ્ધ પાર ઉતાર્યિઉં હતું તે શરીરને એણે ભોંય પર ઢળી પડતું જોયું. તેજુની છાતીનાં નીલાં છૂંદણાં ફરતો, રાતાચોળ રુધિરના ધમધમાટને પરિણામે લાલ લાલ ભોં છવાઈ ગઈ. વૃદ્ધ દૂર બેઠો બેઠો ફક્ત પાણીની ઝાલક છાંટવા ઉપરાંત બીજું કશું જ ન કરી શક્યો. એણે પવન ઢોળ્યે રાખ્યો.

તેજુએ ફરીથી આંખો ઉઘાડી. વૃદ્ધ વણિકને આઘેરો જ બેઠેલો દીઠો. દસ વર્ષની અવધને આ ગામડિયાએ આમ ને આમ જ ખેંચી કાઢી હતી. સ્ત્રી-સુખની છેતરપિંડીનો એણે પોતાની જાત ઉપર જ જુલમ ગુજાર્યો હતો. જે પત્ની પોતાના ઘરની એક આરસની પૂતળી કરતાં પણ વધુ માયાવી- વધુ અવાસ્તવિક હતી, તે જ પત્નીને આણવાનો રાયજંગ એ જગતની આંખોમાં સળગતો રાખતો હતો. કુશંકા એણે કરી નહોતી. ચોકીદારી એણે રાખી નહોતી. ઘણી ઘણી વાર તેજુએ રાતમાં જાગી જાગી છાની નજરે નિહાળ્યું હતું : પોતાના દુખતા પગની એ પોતાને જ હાથે ચંપી કરતો; બહારની પથારી પર બેઠેલો હોય, માથામાં ઊપડતા ચસકાને દાબવા માટે એણે મેલું ઓશીકું કપાળ પર દબાવી રાખ્યું હોય.