આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મન થાય તેવી હતી. એની ઘેરદારર સુરવાળમાં બે મણ કપાસ માય તેટલું પોલાણ હતું. એના શરીર પર તપતો સુર્ય જાણે કે કોઈક સીસમના સામાન પર વાર્નિશના ચકચકાટ ઉઠાડતો હતો. એન માથા પર મેલો રૂમાલ બાંધેલો હતો.

"કેમ તમે એકલા રોકાઈ ગયા?" અમરચંદ શેઠે દૂર ઊભીને પૂછવાની હિંમત કરી.

"દીકરી તાવમાં ભૂંજાઈ રહી છે, બાપા! અને મારે વળી જરાક ટંટો થયો તો અમારા પડાવમાં."

"ટંટો?"

"ટંટો તો થાય જ ને, બાપા!જુવાન છોકરીને એની મા વિનાની લઈને રહેવું, એટલે ટંટો તો થયા જ કરે ને! ને વળી હું ઈ દંગાવાળાની નાતનો નથી."

"હા, ઈ સાચું છે. જર, જમીન ને જોરૂ, ઈ ત્રણે કજિયાનાં છોરું! હેં-હેં-હેં." અમરચંદ શેઠને કહેવતો ટાંકવાનો બહુ શોખ હતો.

"હાલ્યા કરે, બાપા! અમને અવતાર એવો દીધો છે ને માલકે. જરા ચલમ પીઉં તો તમને વાંધો નથી ને, બાપા?"

"કાંઈ નહિ. એમાં શીઓ વાંધો? કરે એ ભોગવે!"

"જરા દીકરીને પીલાવું? બદનમાં તાકાત આવી જાય હો, બાપા! તમને વાંધો નથી ને?"

"ખુશીથી પીવાડોને. આમાં શીનું આંધણ ચડાવ્યું છે?"

"આંધણ નથી. વનસ્પતિના વેલા છે. બાફીને એનું બિછાનું કરી દઈશ. દીકરીને એમાં સુવાડીશ; એટલે શરીરની તમામ ગરમી રગરગમાંથી શોષી લેશે આ વનસ્પતિ."

"ઇલમી લાગો છો. ઓસડિયાં જાણો કે?"

"જીવવું છે એટલે જાણવું તો જોવે જ ને, બાપા! કુદરત તો વડી કીમિયાગર છે ને, બાપા !"

"પછી શું, ઉપડી જાશો?"