આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૬
વસુંધરાના વહાલાં-દવલાં
 

લટક્યો, ને અમારી તળાવડી ગોઝારી કરી. હવે તું જ ત્યાં થાનક બેસાડ. મારી કને નાણાં ક્યાંથી હોય ? તો શિવલો ગોર કહે કે નાણાં તો હું કરી આપું . તને વટાવીએ એટલે નાણાં નાણાં. આ છેલ્લી વાર તો હું એ સાટુ જ આ ધંધામાં પડી. હવે તો તમ સરીખું કોઈ જડી જાય ને, તો હું અમરચંદ બાપા આગળથી મારા આ વખતના ભાગના રૂપિયા લઈને ઘરમાંય નહિ ઘાલું. મારે તો બારોબાર મારા ભાભાનું થાનક કરવામાં આ વખતની કમાઈ ખરચી નાખવી છે. આ વખત બાપડા એક ગરીબ બામણનું ઘર ભાંગી આવી છું ને, એટલે મારે એ નિસાસાનાં નાણાં ઘરમાં નથી આણવાં."

"કેટલાક રૂપિયા છે તમારા ભાગના ? "

" સો તો આવશે જ ને ? હું ને છોકરી હાથોહાથ મજૂરી કરશું. મારી છોડી આજ દસ વરસની--આવડી, વાછડી જેવડી થઈ હશે. તમારું થાનક બાંધી આપશું. એટલે પછી હું છૂટી. મારે હજી એક વાર જેલમાં પોંછ્યે જ રે'વું છે. મારે જમાદરણી ફાતમાનાં ઝટિયાં એક વાર પીંખવાં છે."

એમ બોલતાં બોલતાં એ ઓરતે દાંત કચકચાવ્યા અને હવામાં જોરથી બાચકાં ભર્યાં. એની બીકે ખેતરની વાડ પરથી ચાર લલેડાં પક્ષીઓ ઊડ્યાં. હવામાં ભરેરાટી ઊઠી.

" ફાતમા જમાદારણીનાં ઝંટિયાં ન ખેંચી કાઢું તો હું લખડી વાઘરણ નહિ, ને વરેડો ભાભો મારો બાપ નહિ. તરવેણી બામણી છે એક કેદણ. ખાવાનું ખૂટ્યું હશે, મજૂરી નહિ મળી હોય. ભીખ માગવા ગઈ નહીં, ઝેરકોશલાં વાટ્યાં. નાના બે છોકરાને પાઈને પોતાને પીવાતાં. એક છોઅકરું તો પીગ્યું, પણ બીજું ઝાલ્યું'તું તેમાંથી છોડાવીને ભાગ્યું, લોક દોડ્યું આવ્યું. પકડી તરવેણીને. સાત વરસની રોયાઓએ ટીપ આપી છે. એને જ્યારે ને ત્યારે, આ વાતમાં ને તે વાતમાં, ફાતમા જમાદારણી ટોણો જ મારતી ફરે : છોઅરાંની ખૂની ! બામણી, છોઅરાંની ખૂની ! તરવેણીનું ખાવું ઝેર કરી નાખે. મેં કહ્યું, ઝંટિયાં ખેંચી કાઢીશ,