આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૯
વસુંધરાના વહાલાં-દવલાં
 

પૂછતાં જ્ઞાતિજનોને એણે જવાબ આપ્યો :

"હોવે ભાઈઓ, ધુબાકા ! "

" ઘંટી તાણવી પડેલી કે કાકા ? "

" અરે હરિ હરિ કરો મારા બાપ ! " કામેશ્વર દાદાએ અભિમાન ધારણ કર્યું : " બ્રાહ્મણના દીકરાને ઘંટી તણાવનાર પાપીઆ તો સરકારની જેલમાંય ન હોય. હા, બ્રાહ્મણપણું પાળતાં આવડવું જોવે. "

"ત્યાં નિત્યનિયમ તો સચવાતો હશે. "

" સાચવવાની ટેક હોય તો તોડાવવાની કોની મગદૂર છે, બેટા ?"

ઘરમાં તે દિવસે કંસાર રંધાયો, અરધી રાત સુધી કામેશ્વર દાદાએ આનંદની વાતો કરી. અને પછી પોતે એકલા પડ્યા ત્યારે એણે પત્નીને પૂછ્યું : " અમરચંદ શેઠ તરફથી આપણા રૂપિયા મળી ગયા'તા ને ? "

" ના, અમને કશી ખબર નો'તી, એ કશું બોલ્યા પણ નો'તા ને એમણે મરતાં મરતાં પણ કોઈને સંદેશો કહ્યો જણાયો નથી. પ્રતાપ શેઠ તો તે પછી ઇંદ્રનગર રહેવા ચાલ્યા ગયા છે. "

" આંહીં આવે છે તો ખરાને ? '

" હા."

" તો એની પાસેથીજ લેવા રહેશે ! शिवोङ्हं ! शिवोङ्हं ! शिवोङ्हं ! "

" આપશે તો ખરાને ? " ગોરાણીએ ચિંતા દર્શાવી.

" ન આપે તો ક્યાં જાય ? હરે હરે કરો. કઢાવવાની ચાવીઉં તો આપણી પાસે હોય ને ? " કામેશ્વર ગોરે સ્થિતપ્રજ્ઞ જેવી મુખમુદ્રા કરી નાખી. પછી પૂછ્યું : " લખડી આવી ગઈ કે નહિ ? "

" હજુ આવી જણાઈ નથી. "

" આવે ને ઉઘરાણી-પાઘરાણી કરે તો જવાબ ન આપશો. કહેવું કે જા પ્રતાપ શેઠની પાસે. "

વળતે જ દિવસે વાઘરીવાડામાં મેળો મળ્યો. લખડી આવી ! લખડી આવી ! દસ વરસની છોકરી માને બાઝી પડી.