આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૩
વસુંધરાના વહાલાં-દવલાં
 

મનમાં મનમાં તેમણે ' રામ ! રામ ! ' ના જાપ જ્પ્યા.

આંબલીના પોલાણ પર દેહ ઢાળીને કંઠ રૂંધવા મથતી લખડીને અધરાતે જઈ તેજુએ ખોળામાં લીધી. પોતાના ઉઘાડા દેહ પર તેજુનાં ગરમ આંસુઓ છાનાં છાનાં ટપકતાં લાગ્યાં ત્યારે ચમકીને લખડી બેઠી થઈ ગઈ.

" માતાજી ! માતાજી ! " એણે તેજુના પગ ઝાલ્યા : " તમે શીદ મારે દુઃખે દુઃખી ત્યાં ? આવું રૂપ રોવા નથી સરજાણું, માતા ! હાલો, મેં તો મારો ભાર હળવો કરી લીધો. હવે મને કાંઈ નથી, હવે મારા મનમાં એક જ અબળખા છે, ઓલી ફાતમા જમાદારણીને--"

તેજુએ લખડીના મોં આડે હાથ દીધો ને કહ્યું : " અધરાત છે. તારા બાપુનો જીવ ગત્યે જઈ રહ્યો હશે. એનો રસ્તો રોક મા. "

બ્રાહ્મણોના પેટમાં હજુ લાડુ હજમ મહોતા થયા ત્યાં જ દુકાનદાર લખડીની પાસે લેણાનો આંકડો લઈ ઊભો રહ્યો. રાત પડવા દઈને લખડી કામેશ્વર દાદા પાસે ગઈ. દી'એ ન જવાય, માડી, સાઠ વરસના બામણની આબરૂ શી ? લોક કહેશે કે ગોર જેવા ગોરને ઘેર વાઘરણની ઉઘરાણી વળી શી નીકળી પડી ?

" કામેશર દાદા ઓ ! "

" કહી દ્યો, દાદા ગામ ગ્યા છે." અંદરથી કામેશ્વર છોકરાંને કહેતો હતો.

" અરે દાદા, હું સાંભળું છું. કાળી રાતે ગામ શા વાસ્તે જાવું પડે છે ? " લખડીએ હાંસી કરી.

"પુજાપાઠમાં બેઠા હોઈએ ત્યારે તમે વાઘરાં લપ કરવા આવો, તમારા ઓછાયા દેવને ન પડવા જોવે, પછી ખોટું કહેવું જ જોઈએ ને ? " બોલતા બોલતા કામેશ્વર બહાર આવ્યા. " શું છે બાઈ ? "

" મારા ભાગના રૂપિયા : મારે ઘરમાં ઘાલવા નથી. તમે જ તમારે હાથે ચૂકવી આપો વેપારીને, દાદા ! ઈ રાતનો પૈસો ઘરમાં ઘાલું તો મારી છોડીને માથેય ઓછાયો પડે. મારું તો થવાનું હતું તે થઈ ગયું."