આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૬
વસુંધરાના વહાલાં-દવલાં
 

મઢીમાં લાવીને એણે આંબલીના કાતરાનું ખાટું પાણી કરીને માંજ્યા. કાળા કીટોડા જેવા એ સિક્કામાં થોડો ઉજાસ આવ્યો.

પ્રતાપ શેઠ આવ્યા હતા. પોતે જાણ્યું હતું. છોકરો કોશોર તો મઢીએ આંટો પણ મારી ગયો હતો. તેજુએ એને પોતાની પાસે બેસારી માથે હાથ મૂક્યો હતો. ડોકમાં પડેલી પાવલીની માદળડી દેખીને એના અંતરમાં આંસુ ઊભરાયાં હતાં. પાવલીને પોતે પંપાળતી હતી ત્યારે કિશોર બીકથી આઘો ખસી ગયો હતો ' મારા બાપાએ ના પાડી છે કોઈને અડવા દેવાની ! ' સાંભળીને તેજુએ મોં મલકાવ્યું હતું.

બે વર્ષ પૂર્વેની કૂણાશ પ્રતાપના હૃદયને હવે ખાલી કરી ગઈ હતી. એ કૂણપનાં સાચાં કારણ તો પોતાના છોકરાની માંદગી અને પોતાની અકસ્માતનો વારસદાર ખોઈ બેસવાની બીક જ હતાં. કિશોરની તે પછીની નિરોગીતાએ પ્રતાપ શેઠની કડકાઈને ફરીથી નવો પટો કરી આપ્યો હતો. પીપરડી ગામના ગરાસના ડગમગતા પાયા પ્રતાપે ઇંદ્રનગરમાં પૈસા પાથરી પાછા સ્થિર કરી દીધા હતા. લોકોના ઊગતા વિફરાટને એણે દરબારી સીલ-કડીઓ વડે ડાંભી દીધો હતો. પોતાના ક્ષણિક વૈરાગ્ય પર પ્રતાપે દાંત કાઢ્યા હતા. રાણીજીનો એ રાજમાન્ય ઝવેરી બન્યો હતો. બૅન્કમાં ફક્ત એની ચિઠ્ઠીની જ જરૂર પડતી હતી. સોનાની ખાણમાં એણે પોતાનું હિત પેસાડી દીધું હતું. દીકરાની ડોકની માદળડીનો સાચો મર્મ એ સહેલાઈથી વીસરી ગયો હતો. માદળડી કિશોરની ડોકમાં રહેવી જોઈએ, તે ઉપરાંતની કોઈ જૂની ભાવના એણે બિનજરૂરી માની હતી.

પ્રભાતે આરબ દરવાનોએ લખડીને ને તેજુને તુચ્છકારી પાછાં કાઢ્યાં. સાંજે પ્રતાપ ગાડી લઈ ચક્કર મારવા નીકળ્યો ત્યારે મઢી પાસે તેજુ બે હાથ પહોળા કરીને બરાબર માર્ગ વચ્ચે ઊભી રહી.

" મઢીમાં આવશો, શેઠ ? એક બે વાતો કરવી છે. એકલા જ પધારો. "

પ્રતાપ કમને ઊતર્યો, ને મઢીની પરશાળે આવ્યો.