આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૮
વસુંધરાના વહાલાં-દવલાં
 

જોઈને કરવુંય શું ?"

" તું પાછી આવી, મને ફજેત કરવા, મારા વારસામાં ભાગ પડાવવા ?"

" બોલો મા, આ લીલાં ઝાડવાં બળી જાશે."

પ્રતાપ શેઠ ઊઠીને ચાલ્યા ત્યારે એની મુખ-રેખાઓએ સંકોડાઈને કાનખજુરાનો આકાર ધર્યો.

" આ નહિ લેતા જાવ ?"

પ્રતાપ ન બોલ્યો.

" ઠીક ત્યારે, બેય ખાતાં સરભર કરજો."

ગાડી પાણીના રેલા પેઠે ચાલી ગઈ. પછી લખડીને બોલાવીને તેજુએ કહ્યું : "લે બોન, શેઠ આપી ગયા છે. આશિષ દે એને !"

રૂપિયા દેખીને લખડીએ કહ્યું : "હાશ પરભુ, એની વાડી લીલી રાખજો. મારો બાપ - મારો ભાભો અવગત્યેથી છૂટ્યો."

સીધી એ દુકાનદાર પાસે ગઈ. રૂપિયા જરા કાળા હતા.

"ભાઈ, તારે એમ હોય તો સવાયા લે. પણ મારો છૂટકો કર."

દુકાનદારે ચોખી છાપ અને પૂરો રણકો સાંભળ્યા પછી સવાયા સ્વીકારી લેવાનો લાગ ગુમાવ્યો નહિ.

એક-બે મહિના ગયા. પછી એક દિવસે-

"લખી, બોન." તેજુએ તે સાંજે ભલામણ કરી : " કાયાનો કુંભ ક્યારે ફૂટી જાય, તેનો ભરોસો નહિ. હું હોઉં ન હોઉં, ત્યારે આ પંદર-વીસ રોપા વાવ્યા છે તેને પાણી વગર ન રે'વા દેજે. ધરતીનાં જણ્યાં છે. આપણે ઉગાડ્યાં, એટલી આપણને વળગણ."

વળતે દિવસે પ્રભાતે તેજુની મઢી ખાલી હતી.