આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૯
વસુંધરાના વહાલાં-દવલાં
 



22

'ચાલો, પિયા'


ઈંદ્રનગર રાજની એક ખૂબી હતી. ગુના બને કે તરત એને પકડવાની ઉતાવળ નહિ. જૂનામાં જૂનો ગુનો ઝલાય તેમાં જ પોલીસખાતાની વિશેષતા હતી. એવો એક ગુનો આજે સારી પેઠે પુરાતન બન્યો હતો. એ ગુનો અનાથાશ્રમમાંથી છોકરો ઊપડી ગયાનો હતો. રાણી સાહેબને ખુદને જ એમાં રસ હતો. એમની પાસે અનાથાશ્રમના મર્હૂમ સંચાલકનો ગુપ્ત કાગળ હતો. 'ઊપડી ગયેલ હોઠફટો છોકરો આ રાજના એક ઇજ્જતદાર શ્રીમંતના ગેરવર્તનમાંથી નીપજેલો હતો. એના માથે મેં ત્રાસ વર્તાવ્યો હતો. આજ એક વર્ષથી એ મારા સ્વપ્નમાં આવીને મારી છાતી ખૂંદે છે. હું સુખની નીંદર કરી શક્યો નથી. એ મને સ્વપ્નામાં આવી કહે છે કે હું રાજનું સત્યાનાશ કાઢી નાખીશ, મારો ઇન્સાફ થવો જોઈએ. એના હોઠ દાક્તરે ફાડ્યા છે. એના હાથે અમુક પ્રકારનાં છૂંદણાં છે એની ગોત કરાવવા હું રાણીમાતાને વીનવી જાઉં છું.'

રાણીજી બડાં રોનકી હતાં. પોતે આડો ચક નાખીને રાજના મોટા અધિકારીઓને મળવા બોલાવતાં, ને નેતર વિનાની ખુરસીઓ પર ગાદલી ઢંકાવીને તેના પર બેસતા અધિકારીને ખુરસીના ચોકઠામાં સલવાઈ જતો જોતાં ત્યારે એમને બડો રસ પડતો. રાણીજી વરુની ઓલાદના કદાવર કુત્તાઓ પાળતાં અને ગામની શેઠાણીઓને બેસવા તેડાવી એ કુત્તાઓને મહેલમાં મોકળા મૂકતાં. કુતા કરડતા નહિ પણ ખાઉં ખાઉં કરી મહેમાનોને જે લાચાર દશામાં મૂકતાં તેથી રાણીજીનો શોખ સંતોષાતો. રાણીજીના મૃત પતિ એને પુત્ર આપવાની સ્થિતિમાં નહોતા, એટલે રાણીજીએ સમાજ પાસેથી સંતાન મેળવી લીધું હતું. કુમાર સાહેબ ખૂંધાળા હતા, એટલે રાણી સાહેબને જગતનાં ખોટીલાં બાળકો જ ગમતાં હતાં. રસોળીવાળા, હડપચી વિનાના, ચપટા-ચીબલા મોંવાળા, ને બહુ લાંબા અથવા બિલકુલ બુચિયા કાનવાળા, કમરથી