આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૧
વસુંધરાના વહાલાં-દવલાં
 

તને ધીરે ધીરે સહેવાઈ જશે."

દિગ્મૂઢ બનેલા ઝંડૂરને વધુ મૂંઝવવાનું બીજા દિન પર મુલતવી રાખીને રાજ-રાણી પાછી વળી. એક ચાંપ દબાવતાં ભોંયરાનું દ્વાર ફરી વાર ખુલ્લું થઈને એ ઓરતને પોતાના પેટમાં ઉતારી ગયું. સામા રાજમહેલમાં એ પહોંચી ગઈ.

ઝંડૂર એકલો પડ્યો. આ શું બની ગયું ! કોના હોઠ પોતાના હોઠ પર ચંપાયા ! કોની ખુશબો અહીં હજુ કાવતરું કરી રહી છે ! મીઠી ખુશબો, મીઠો સ્પર્શ, મીઠા શબ્દો : પણ એ મીઠાશમાં બદલી નથી. મીઠાશ તો કોઈએ બદલીના કલેજાને નિચોવીને કાઢી લાગે છે. આ જોબન મને શેરડીના સાંઠાની માફક ચૂસવા આવ્યું. ચૂસી ચૂસીને-પછી ? પછી મને ફેંકી દેશે. હું કોણ હતો ? કોણ બન્યો ! જંગલનો બેટો રાજમહેલે બંદીવાન ! પંખીડાંનો સાથી, આ મશરૂની સેજપલંગોમાં કેદ ! આકાશે અડતા દોર પરથી પટકાઈને આ ભોંયરાની કોઈ લાલસાભરી નારીના વિલાસ-કીચડમાં ! દુનિયાએ ફગાવી દીધેલો, પાછો દુનિયાના પંજામાં !

હું શેઠનો દીકરો ! મારે કોઈ બીજો બાપ હતો ! બાપે જિંદગીમાંથી ઉખાડી નાખેલો ! એ હરામ જાહોજલાલીનો હું ધણી ! શું કરવી છે એ સાયબીને કે જેમાં બદલી નહિ હોય, બુઢ્ઢો નહિ હોય, સોળ વરસનાં મારાં પાલનહાર પશુડાં નહિ હોય.

ફરી પાછો વિચ્છેદ ? કોઈક એક રાજ-રાણીના ઘડીક તોરને માટે મારો જીવન-દોર તૂટ્યો છે.

નહિ રે નહિ. દુનિયાનાં લોક કાલે મારા હસતા હોઠની વાટ જોશે, ને આંહીંના લોક, કોમે માલૂમ, મારા એ હોઠ પર નવી ચામડી કોઈકના હોઠ માથેથી ઉતરડીને ચોડશે. નહિ મારે નથી રહેવું. બદલી ! બદલી ! બદલી ! હું ક્યાંક પાગલ બની જઈશ. પછી મને રસ્તો નહિ જડે. હું ભાગી છૂટું. તે દરવાજે દોડ્યો. તાળાં હતાં. એ દિશા દુનિયાની હતી. દુનિયા ! દગલબાજ ! દરવાજા બંધ કરીને પ્યાર માગનારી !