આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રતાં કાર્યની જ વધુ ઉપાસના કરનાર એ કાઠીએ મૂંગો મલકાટ જ વેર્યો.

પછી તો સઘળું રસ્તે ચડી ગયું, અને બે-ચાર દિવસ જવા દઈને તેજુના બુઢ્ઢા બાપે એક અંધારી રાતના બેક બજ્યાને સુમારે જ્યારે શેઠના ખોરડા પર નળિયું ન ફૂટે તેવી રીતે કાંકરીનો ઠણકાર કર્યો, ત્યારે અમરચંદ શેઠે હાક મારી.

"એલા પરતાપ ! એ હેઈ માડી વાળેલ ! ક્યાં મૂઓ છો?" સૂતેલા પ્રતાપે કડકડતી ઠંડીમાં ગોઠવાઈ ગયેલા ગરમ બિછાનામાંથી જવાબ વાળ્યોઃ "પણ શું છે તે ચસ્કા પાડો છો?"

"હાટડીમાં ગૉળ ને ખોખાં ઢાંક્યાં છે કે નહિ, ઓટી વાળેલ ?"

"કાં ?"

"ઓલ્યા તારા ડોસા ઉંદરડા દાટ વાળી રિયા છે. જા મર ને ઢાંકોઢુંબો કરી આવ. વાણિયાનો છોકરો છો કે ગરાસિયાનો ? હું નહિ હોઉં તે દી હાથમાં શકોરું રે'શે શકોરું. અને માગવા જાઈશ તો માગતાંય નહિ આવડે ને મરીશ ભૂખ્યો."

આ ચસકાઓએ પિત્રાઈ પાડોશીઓની પણ ઊંઘ ઉડાડી મૂકી. તેઓ છોકરાની દયા ખાવા લાગ્યા. 'ડોસો તો છોકરાનો જીવ લેવા ફર્યો છે. આવી ટાઢમાં લેવા દેવા વગરનો છોકરાને ઉઠાડે છે.'

પિત્રાઈ પાડોશીને પોતાની નિરર્થક દયા ખાતાં મૂકીને પ્રતાપ હાટડીમાં ગયો. એને ખબર હતી કે કાળી કડકડતી રાતે હાટડીમાં કયો ઢાંકોઢુંબો કરવાનો હતો.એણે ધીરે હાથે બારણું ઊઘાડ્યું. ઉઘાડતાંની વાર જ એક મોટી ગાંસડી અંદર ફગાવીને કોઈક ઊપડતે પગલે ચાલ્યું ગયું. પ્રતાપે બે મણ જેટલા એ ચોરાઉ કપાસની ગાંસડીને ઠેકાણે પાડી. પાછો જઈને એ નિરાંતે નીંદરમાં પડ્યો.

એજ રીતે તેજુનો બુઢ્ઢો બાપ દિવસભર લોઢાની છરીઓ, તાવેથા ને સાણસીનાં ટીપણાં ટીપતો રહ્યો, અંધારિયા પખવાડિયાની અનેક