આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે દિવસ જોયા વિના હાટમાં નહોતો બેઠો રહ્યો. વ્યાપારના વેચાણ, ખરીદી અને ઉઘરાણી માટે પ્રતાપે ઘોડી વસાવી હતી. ઘોડેસવાર પ્રતાપે ખીજડા- તળાવડીની ભૂતિયા કૂઈ પાસે ગીધડાંને કૂતરાં ઠેલવા સ્થળ પર ઊભેલી નાજુક તંબુડી તરફ ઘણી ઘણી વાર ઘોડીને વાળી હતી. ઉઘરાણીએ જવાના હરકોઈ દિશાનાં ગામડાનો કેડો પ્રતાપને એ તંબુડી વળોટ્યા વિના સૂઝતો નહિ. એની રસીકતા આ પ્રકારે વિચાર કરતીઃ 'જે વાણિયણ મારા ઘરમાં આવવાની છે તે આવી જ તો નહિ જ હોય. ક્યાંથી હોય ? કોઈક ફૂવડની જ છોકરી હશે, ફૂવડની. એના મોંમાંથી લહેકા કદી જ નહિ નીકળે. એને સો સો રૂપિયાની જોડ કપડાં પણ આની માફક પહેરતાં નહીં આવડે. એને આવા ગલ ક્યાંથી પડશે?

બજાણિયાં છારાં, ચામઠાં, લુવારાં અને આડોડિયાનાં ચીંથરેહાલ દંગાઓએ પરાપૂર્વથી શહેરો અને ગામડાંઓના એકસુરીલા જીવનની સ્થિરતાને ચલાયમાન કરી મૂકી છે. બાપનાં બીબાંમાં ઢળાતી જતી એકસરખી ઢાળકીઓ જેવી બેટાઓની ઓલાદોની જિંદગીઓ આ રઝળપાટ રમતી માનવ-ટોળીઓને દેખી અનંત અથાક વિશ્વ-ભ્રમણોના આવેગો અનુભવતી રહી છે. વ્યવસ્થિત જીવનનાં ચોકઠાં ભેદીને મોકળાશ મેળવવાના મનોરથો અનેક હૈયાંઓમાં આ ભમતી જાતિઓએ સળવળાવ્યા છે. પ્રતાપ એમાં અપવાદ નહોતો. પ્રતાપ તેજુના પ્રેમમાં પડ્યો. તેજુએ પ્રતાપને કહ્યું - કદી કોઈને નહોતું કહ્યું તે કહ્યું: "મારૂં નામ તેજબા છે, તેજુડી નથી."

પ્રતાપે પ્રેમની પ્રસ્તાવના દિલસોજીથી કરી: "હું મારા બાપનાં પાપ ધોવા આવેલ છું. તારા બાપ પાસે એ ચોરીકર્મ કરાવે છે. તારા બાપના જીવ સાટેના જોખમનો એ નામનો પણ બદલો નથી આપતા. સાચો કસ તો એનો અમે જ કાઢીએ છીએ. મારું અંતર બળે છે. આ લ્યો, આ બાપનાં પાપની દરગુજરી."

એમ અક્કેક ટાણે રૂપિયાની અક્કેક નાની ઢગલી પ્રતાપ તેજબા પાસે જઈને કરી આવતો. બાપ મલકને ચોરતો.