આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"એવડું કાંઈ છે જ નહિ ને જે છે તેને સંધરનારી ધરતી જ પડી છે. ધરતી જ અમારો પટારો, અમારા ધનનો ને અમારા દેહનો."

"તો ભલે, બાકી મૂંઝાશો નહિ. આ બાળકીને મૂંઝાવા દેશો નહિ. એયને અમારે પણ તમારી માફક જ માથે ધરમ છે. અમારા દાદાએ તો ભાઈ, ખબર છે તમને, પંદર વરસ સુધી કોઈ ધણી નો'તું થાતું એવી થાપણ ચોપડે હરવરસના વ્યાજ સીખે ખેંચ્યા જ કરી'તી. પંદરમે વરસે એક રાંડીરાંડ આવી. ફોરન નાણાં કાઢી આપ્યાં અમારે દાદે. અમારું ય અમારાં સત માથે નભે છે ને, ભાઈ !"

"સાચું, કાકા! આભને કાંઈ થાંભલા થોડા છે ? સતને ટેકે આભ થોભાઈ રિયો છે. તમારા થાંભલા, તો અમારી પરોણિયું. તમામના ટેકા છે શેઠ. હાંઉ, હવે મને લાગે છે કે મારે ઝાઝી વાર નથી. દીકરી, તેજુ, મને પગે કાગી ઝાલીને જરા બહાર ઢસડી લે. મારે આભને જોતાં જોતાં જ વિદાય થવું છે."

"હા રે ગાંડિયા હા !" શેઠે મશ્કરી કરીઃ "એમ તે કાંઈ મોત રેઢું પડ્યું છે ? ટાંટિયા ઢ્સરડીને તો મોટા મોટા સંત માત્મ્યાઓને પણ મરવું પડ્યું છે."

"ના ના, શેઠ." બુઢ્ઢાનો અવાજ દૂર દૂર ચાલી ગયેલી આગગાડીના જેવો ઊંડો ઊતરતો હતોઃ "અમારી જનેતાઓએ અમને ઊભા વગડે જણ્યા'તા, જણીને અમને દરિયે-ખાબોચિયે ધોઈ કરી પાછી ઊભે વગડે ચાલી નીકળી હતી અમારી જણનારિયું. અમારાં મોત પણ એવાં જ સહેલાં છે. અમારો જીવ ખાંપણના ટુકડા વાસ્તેય નથી ટૂંપાતો. બેટા તેજબા, હાલો મા, ટાણું થઈ ગયું. ધરણીની જીવાત ભૂખી થઈ છે. મને આભનાં દર્શન કરી લેવા દે."

તેજબા ઊઠી. એણે પિતાના પગ પકડ્યા, એ શરીર સગા સંતાનના હાથે ભંગી શ્વાનનું શબ ઘસડે તેમ ઢસરડાયું. બુઢ્ઢાનો દેહ પૂરેપૂરો બહાર આવ્યો.

'મારાં સાળાં નિરદયાળુ !' એવા શબ્દોના ગોટા વાળતા અમરચંદ