આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૬
વસુંધરાના વહાલાં-દવલાં
 

જીવ... હવે ગત કર. લે આ મેરામણ પડખે જ પડ્યો છે. એના ટાઢાહિમ ખોળામાં હું તને સુવાડી દઈશ."

આટલા બોલ ડોસો બેભાન અવસ્થામાં બોલ્યો હતો, તેજુબાએ બાપ શું બોલ્યો એ પૂછી જોયું હતું. બુઢ્ઢાએ ખુલાસો નહોતો કર્યો. ખુલાસો જડી ગયો. આ ડાઘુઓનું અનુમાન ખરું લાગે છે. હું આ ભટકતા માનવીઓના સમૂહમાં એકરસ નથી થઈ શકી એનું કારણ મને હાથ લાગ્યું છે. ડોસો પોતાના દંગા છોડીને એકલવાયો પ્રુથ્વી ભમતો રહ્યો છે તે પણ મારી રક્ષાને માટે જ લાગે છે. જ્યારે જ્યારે મને પરણવાની વાત દંગાઓમાં ચર્ચાઈ છે ત્યારે ત્યારે ડોસો મને લ ઈને ભાગી નીકળ્યો છે. નથી બોલ્યો ડોસો એક પ્રતાપના અવરજવરની બાબતમાં. પ્રતાપને ડોસો વારંવાર કહેતો કે મારે તમને એક વાત કરવી છેઃ મારા મનની એક ખાનગી ખોલવી છેઃ પણ આજ નહિ, કાલ વાતઃ આજ નહિ, મારા અંતકાળે કહીશ. મારો અંતકાળ હવે ઢૂકડો છેઃ મારી છેલ્લી ઘડીએ, શેઠ, તમે હાજર રે'જોઃ મારી છાતીએથી મારે આખા વગડાનો હૈયાભાર છોડી નાખવો છે. એ ગાંસડી છોડવાનો સુયોગ ડોસાને મળ્યો નહિ. એ ગાંસડીમાં બીજી કઈ વાત હોઈ શકે ?

ડાઘુઓને તેજુબાએ ખવડાવ્યું, શબની નજીક બેસીને જ સહુ ધરાઈ ધરાઈને જમ્યા. પછી આખી રાત તેઓ બળતણ મેળવવા આથડ્યા. પણ ગામ ચેતી ગયું હતું. પોતપોતાના ઉકરડા પર પણ ખેડૂતોએ ચોકી બેસાડી હતી . આખરે એ ખીજડા-તળાવડીમાં જ ખાડો ખોડીને ડોસાનું શબ દાટવામાં આવ્યું ને ડાઘુઓએ તેજુબાને દિલાસો દીધો કે "બાઈ, આપણે તો નીચ વરણ ઠર્યાં. આપણે નથી હિન્દવાણ, નથી મુસલમાન. આપણે તો ચાર છેડે છૂટા. બાળવું-દાટવું જે કાંઇ કરવું હોય તે આપણે કરી શકીએ. આયે માટી, ને ઓયે માટી ! આ કાચી ધરતીય માટી છે, ને લાકડાંય માટી છે, સૌએ માટીમાં જ મળવાનું છે."

"આ છોકરીનું શું કરવું હવે ?" ડાઘુઓએ મસલત કરી.

"આંહીં મરને પડી."