આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૦
વસુંધરાના વહાલાં-દવલાં
 

તેજુ છોકરાને એટલું જ કહેતી: " જો બચા! રમવા કરવા જા ને, તો ધ્યાન રાખજે હો. આપણું ઘર બીજા સૌથી નોખું છે, ને આપણા ઘરને નેવે જો આ ચકલ્યાંને પાણી પીવાની ઠીબ ટાંગી છે. ઠીબ જોઈને પાછો હાલ્યો આવજે. રસ્તો ભૂલીશ નહિ ને?"

ભાંગ્યું તૂટ્યું બોલી શકતો છોકરો માની ભાષાનો સમજદાર તો પૂરો હતો, ને એ બધું સમજી જઈને 'હો; કહેતો.

તરસ્યાં પક્ષીઓને પાણી પીવાની ઠીબ તેજુના કૂબાની સાચી એંધાણી હતી. એ એંધાણીએ નાનો બાળક ઘરની ભાળ મેળવતો ને ભમતો.

એક વાર ગામના કાઠીગરાસિયાના છોકરા છૂટ-દડે રમતા હતા. તેજુનો બાળક આઘે ઊભો ઊભો જોતો હતો. થોડે દૂર એક કૂતરી રઘવાઈ બનીને દોડતી હતી. કૂતરીના માથામાં ઘારું હતું, ઘારામાં કીડા પડ્યાં હતા. માથાના માંસમાં ઠોલતા કીડાને શોધવા કૂતરી ચકર ચકર ફરતી હતી. ધડી દોડતી, ઘડી પોતાના પગ ને પોતાના શરીરને બટકાં ભરતી ભરતી એ કૂતરી ઘૂમરીઓ ખાતી હતી.

"એલા કૂતરી ગાંડી થઈ." એક છોકરાએ રોનક કર્યું.

"એલા, ના, ના, ઈ તો તેજુડી વાઘરણ."

પોતાની માનું નામ કાને પડતાં બાલક ચમક્યો.

"એલા, ઇવડી ઈ તેજુડીએ કૂતરીનું રૂપ ધર્યું છે."

"એલા મારો એને."

"મારો, તેજુડીને મારો!" એવા રીડિયા બોલ્યા ને છોકરાઓએ પથારા ઉપાડી ઉપાડી કૂતરીનો પીછો લીધો.

પોતાના માથાની જીવાતને કારણે બહાવરી બનેલી કૂતરી પથ્થરોની ત્રમઝટમાંથી બચવા ભાગી. તેજુડીને મારો ! મારો તેજુડી ડાકણને ! એવા હાકલાની મોખરે ભાનભૂલી ભાગતી કૂતરીની પછવાડે છોકરાઓએ ડાઘા જેવા બીજા ગામ-કૂતરાઓને હૂડદાવ્યા.

તેજુનો બાલક ખરેખર એમ માની બેઠો કે કૂતરી જ મારી મા