આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૩
વસુંધરાના વહાલાં-દવલાં
 


"મારગ મફત થઈ જાય છે, હેં અમરચંદભાઈ? તમે પણ રાજા માણસના જેવીયું વાતું કરો છો તે!"

"પણ હું ક્યાં મફત મારગ કાઢવાની વાત કરું છું?"

"તો પછી હાંઉં. ઘીના ઠામમાં ઘી પડી રે;શે."

તે પછી સારી એવી એક રકમ અમરચંદ શેઠના મીઠાના માટલાને તળિયેથી મહાકષ્ટે બહાર નીકળીને પોલીસ-મુખીના ગજવામાં પેઠી.

"હજુ એક મોટો પહાડ છે આડો," મુખીએ શેઠને કહ્યું.

"કોણ?"

"પ્રતાપભાઈ. એને પંદરેક દી' ક્યાંય બહાર મોકલો."

"કાં?"

"એનું હૈયું કૂણું છે. અમારા ઇલાજ તમને કારગત કેર, શેઠ, તમરી મજબૂતાઈ નોખી કે'વાય. પણ પ્રતાપ અમથો ફાટી મરે."

બે-ત્રણ દિવસમાં શેઠે પ્રતાપને અજબ જેવી જિંદગીમાં પહેલી જ વારકી આ વાત કરી:

"ભાઈ, પરણ્યાંને આટલાં વરસ ગયાં. ક્યાંય બા'ર નીકળ્યા નથી. વહુ પણ મૂંઝાય. મુંબઈની એક સેલ કરી આવો બેય જણાં. નાટક સિનેમા જોઈ આવો."

પ્રતાપ અને લીલુ પિતાના હ્રદયપલટાનો જાણેકે ઉત્સવ કરવા મુંબઈ ઊપડ્યાં.

ચારેક દિવસ પછી એ જ હાટડી ઉપર એ જ પ્રમાણે મુખી બેઠા હતા ત્યારે બેપાંચ પટેલિયા ને બીજા લોકે આવીને મુખી પાસે બૂમાબૂમ બોલાવી.

"ગામડાંમાં વાઘરાં ને ઝાપડાં ને કામણટૂંમણિયાં ભેળાં કર્યાં છે ને બાપુ, તે અમારાં ઢોરમાં રોગચાળો ફાટ્યો છે અને છેલ્લા ત્રણચાર મહિનાથી મરકીના ધોળા ઉંદર પડે છે. હવે તો અમે ગામ ખાલી કરીએ, ને અમારે બદલે ખુશીથી ઈ નીચ વરણનો વસાવો."

"ઉંદર પડે છે! મરકીના ઉંદર! " મુખીએ અજાયબી બતાવી.