આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૦
વસુંધરાના વહાલાં-દવલાં
 

ઝાંપડાનો પૈસો નરકની પેદાશ છે, ને વાઘરીઓ ઝીણા મોટા જીવ ખાઈને જીવે છે. કલાલ, કસાઈ કે વેશ્યાના પૈસાને તેઓ અસ્પૃશ્ય નહોતા ગણતા. તેમ ઝાંપડાં-વાઘરીના દાગીના તો તેઓ મોટું દિલ રાખીને ચોથા ભાગના ભાવે ખંડી લેતા. તેઓ 'ગાંડી માના ડાહ્યા દીકરા' હતા. પોલીસમાં કે કોરટમાં જઈ સાક્ષી આપવી પડે એવા કોઈ મામલામાં ઊભા રહેતા નહિ. તેઓ ડરતા ફક્ત બાવા ફકીરના સોયા અને ચાકાં થકી. એટલે પગમાં પૈસો ફગાવી દેતા.

તેજબાએ અને એના છૂંદાએલા છોકરાએ વિજયગઢ શહેરની એવી હવામાં વાઘરીઓના સરઘસ વચ્ચે પ્રવેશ કર્યો. એના સમાચા એનું સ્વાગત ગોઠવવાને માટે જાણે કે અગાઉથી જ આંહીં આવી પહોંચ્યા હતા. થાણાનો માર્ગ ગામ-બજાર સોંસરો નીકળતો હતો એટલે પ્રચારકામ બિનજરૂરી બન્યું. કેટલીક દુકાનો પરથી મુખીને વાહવાહ મળી.કેટલાક હાટના ઊંચા ઓટા પર સંધ્યાના ઘી-દીવા પેટાવતા પેટાવતા કોઈ કોઈ વેપારી બોલ્યા કે 'બે-પાંચને તો પૂરા કરવા'તા મુખી, બીજાં પચાસ વરસની નિરાંત થઈ જાત ને !'

વિજયગઢની થાણા-કચેરીઓની ઈમારતો ભવ્ય હતી. કેમ કે અંદરની વ્યક્તિઓ ક્ષુદ્ર હતી. ન્યાયાધીશને પૂડલા બહુ ભાવતા, મહાલકારીને પેંડામાં મીઠાશ પડતી, ફોજદાર હરકોઈ સારું રાચરચીલું વસાવવાના શોખીન હતા. પણ સગર્ભા સ્ત્રીઓની પેઠે તેમના બધા "ભાવા" પરાયે ઘેર ગયા સિવાય તૃપ્તિ ન મેળવી શકતા. ભૈરવનાથની ડુંગરાળ જગ્યાએ તેઓને આજે ફુલશંકર વકીલની ત્રીજી વારની લગ્ન-ગોઠનું ઈજન હતું, અને તેઓ ગાડીઓમાં ગોઠવાયા હતા તે જ ક્ષણે હમીરભાઈ પોલીસ-મુખીએ "લપ" લાવીને ઊભી રાખી.

"એટલી બધી ઉતાવળ શી હતી ?" ફોજદાર સાહેબે રોષ દેખાડ્યો

"આખા મહાલયમાં દેકારો બોલ્યો છે સા'બ." મુખીએ ચિત્રમાં ઘાટી કાળાશ ઘૂંટી. "અને આપને ફુરસદ હોય તો બે મિલટમાં વાત કહી દઉં."

ફોજદારને એકાંતે લઈ જઈને મુખીએ અમરચંદ શેઠ અને