આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૨
વસુંધરાના વહાલાં-દવલાં
 

ધ્યાન વધુ પહોંચે. કેવડીક ઉંમર, હેં શેઠ ?"

"ચાર વરસ તો દેખાય જ છે. પછેં એક વધુ કે એક ઘટુ, પણ છોકરો છે જબરો - સમજણો બહુ છે."

"હેં બાઈ, છોકરો સમજી શકે છે બધું ?"

તેજુને આ પ્રશ્નોના પાછલા રહસ્યની સમજ નહોતી, છોકરાની તારીફ સાંભળીને તે અટવાઈ ગઈ. એણે કહ્યુંઃ "ઘણો સમજણો છે, સા'બ ! હજી બોલતો નથી બહુ, પણ સમજે છે બધુંય."

"ત્યારે એને જેલમાં લઈ જવાની જરૂર નથી, બસ."

"ક્યાં સોંપું?" ફોજદારે પૂછ્યું.

"એના બાપને." ન્યાયાધીશ જાણીબૂજીને જ બોલ્યા. અમરચંદ શેઠે એના 'પૂડલા'નો કશો જોગ કર્યો નહોતો. એણે જોયું કે અમરચંદ શેઠના ચહેરા પરથી વિભૂતિ ઊડી ગઈ.

"એનો બાપ છે કે ?"

"છે." તેજબાઈના એ ટૂંકા જવાબે અમરચંદ શેઠનું કલેજું લગભગ બહાર ખેંચી કાઢ્યું.

"કોણ ? ક્યાં છે ?" ન્યાયાધીશે એ શેઠના કલેજા પર છૂરી ઉગામી. શેઠે કોઈ ન ભાળે એ રીતે ન્યાયાધીશ પ્રત્યે હાથ જોડ્યા.

"ધરતી એની મા છે,ને આભ એનો બાપ." તેજબાઈના જવાબે ડૂબતા શેઠને કિનારે કાઢ્યા.

"આ નીચ વરણ છે, સાહેબ !" ફોજદારે ખુલાસો કર્યો. "એને છોકરાં આભમાંથી વરસે. એનાં બાળકોને બાપની જરૂર ન હોય. એ લોક મંત્ર જાણે."

"ખરું છે, ફોજદાર સાહેબ, ખરું છે હે-હે-હે !" ન્યાયાધીશે દાંત કાઢયા એટલે અમરચંદ શેઠને મોંએ પણ પાકા જમરૂખ જેવો મલકાટ ઝૂલવા લાગ્યો.

પણ અમરચંદ શેઠની ફાંગી આંખ એ બાઈની આંગળીએ વળગેલા હેબતાઈ ગયેલા છોકરા તરફ હતી. એના અંતરની પળેથી