આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૮
વસુંધરાના વહાલાં-દવલાં
 

બાળે ધાવવા માંડ્યું. કૂતરી લાંબી થઈ ને પડી. એની પૂંછડી પટપટ થઈ. એણે બાળકનો દેહ ચાટ્યો. એ પછી એની લાંબી જીભ લસલસ કરતી વાત્સલ્ય-સુખની પાછી વળેલી લહેરમાં ઝૂલી રહી.

એકાએક કૂતરીના ડેબામાં એક ધિંગો ધોકો પછડાયો અને એ ભૂલમાં ને ભૂલમાં પોતે જેને ધવરાવતી હતી તેજ બાળકનો અપરાધ સમજીને તેને એક બચકું ભરતી, 'વૉય વૉય' સ્વરે ત્યાંથી નાસી ગઈ. કૂતરીએ બરાબર હોઠ પર જ કરડેલો બાળક ઝબકીને ઊઠ્યો. એણે કૂતરીને તો ન દીઠી, પણ પોતાના ઉપર ધોકો ઊગામીને ઊભેલા પડછંદકાય સંચાલકને તેમ જ બારીઓમાંથી ખિખિયાટા કરતાં બાળકોને જોયાં. એને ઘઘલાવીને સંચાલકે ખડો કર્યો ત્યારે એના હોઠ પર કૂતરીના ધાવણનાં બે ટીપાં બાજી રહ્યાં હતાં. બાળકે ચીસ પાડતાં પાડતાં હોઠ પર જીભ ફેરવી. જીભ પર કાંઈક ખારું ખારું લાગ્યું. હોઠમાંથી કોઈ ખારાશ ઝરતી હતી. બાળકને એનો સ્વાદ આવ્યો. બાળકએ ખારું લોહી પણ ચાટવા લગ્યો. લોહી ચટાયું તેમ વધુ આવ્યું. નીચે ટપટપ ટીપાં પડ્યાં ને હોઠમાં બળતરા હાલી. બાળકના બેઉ હોઠ પર કૂતરીના તીણા દાંતે ઊંડા દંશ મૂક્યા હતા.

એ દંશો દેખીને સંચાલક ડર્યા. એણે બાળકને બાવડે હડબડાવીને દવાખાને લીધો. જેલ, દવાખાનું ને અનાથાશ્રમ એકબીજાનાં પાડોશી હતાં ત્રણે જાણે સમાનધર્મી સ્વજનો હતા.

"હોઠની આર્ટરીઝ (નસો) કપાઈ ગઈ છે." નવા આવેલા જુવાન દાક્તરે એ હોઠને ચીપિયા વગેરે ઓજારો વતી ચૂંથી ચૂંથીને નિરાંતે નિરીક્ષણ કર્યું. દરમિયાન બાળકની ચીસો ચાલુ હતી. બીજા પણ બે દાક્તરો આવી ચડ્યા, એટલે ત્રણે જણાએ આ બાળકના હોઠનું બારીક પૃથ્થકરણ કરતે કરતે 'ડિસ્કશન' (વિવેચન) જારી રાખ્યું.

રૂનો નાનો એવો પોલ ઊઠતો હોય તેના જેવી ઊડ ઊડ ગતિએ એક નર્સ આવી પહોંચી.

"શું છે, ડૉક્ટર?"