આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૨
વસુંધરાના વહાલાં-દવલાં
 


"મારા બાપનેય બહુ ઊંઘ આવતી'તી. ઊંઘમાંને ઊંઘમાં મારો બાપો અંજીરને લીલાં-રાતાં ફાનસ દેખાડતો'તો. ઈ સાંધાવાળો હતો. ઈને રાતીપીળી ધજા દેખાડતાં આવડતું'તું. રાતને દી ગાડિયું, ગાડિયું ને ગાડિયું ! ગાડિયુંના અંજીર તો મારા બાપ વગર કોઈને ગણકારે જ નૈ. એમાં એક અંજીર હતું ગાંડું. એણે મારા બાપાને ઝોલું આવ્યું તે ભેળો જ ઠેલો માર્યો. પછાડી નાખ્યો. પગ પીલી નાખ્યો. પછી તો એને મોટે દાગતરખાને ધોળાધોળા ફૂલ જેવાં ગાદલામાં સુવાડ્યો તોય મારા બાપને ઊંઘ આવી નહિ, ને રાડેરાડું પાડે કે મને ઝટ ઊંઘાડી દ્યો-ઊંઘાડી દ્યો. પછેં એને ખૂબ દવા સુંઘાડી. પછેં એને એવી ઊંઘ ચડી ગઈ કે પગ વાઢ્યો ને, તોય એને ખબર ન પડી. માંડ માંડ ધોળી પથારીમાં સૂવાનું મળ્યું ને, એટલે પછેં મારો બાપો કાંઈ જાગે ! મેં, મારી માએ , સૌએ હડબડાવ્યો કે બાપા જાગ, બાપા જાગ, પણ એ તો જાગે જ શીનો ? એને મસાણમાં લ ઈ જઈ બળતાને માથે મેલ્યો તોય ન જાગ્યો."

"પછી તુંને આંહીં લાવ્યા ?"

"મારી મા ક્યાંક વઈ ગઈ એટલે મને આહીં લઈ આવ્યા."

"તયેં તું ડુંગળીનું પાંદડું કેમ લઈ ગઈ'તી સંડાસમાં?" ભાવલાએ ગુલાબડીનો કાન આમળ્યો.

ગુલાબડીએ ચીસ નાખી. રુદન ચાલી રહ્યું. પણ એ રુદન એકાએક રોકાઈ ગયું. "આ શું? આ નવો છોકરો તો જુઓ ! એલા, આજ તો એ દાંત કાઢતો કાઢતો હાલ્યો આવે છે. એનો પાટો આજ છોડ્યો એમાં દાંત શું કાઢતો હશે?"

નવો બાળક સમજતો નહોતો કે આ બધા આમ કેમ કહે છે ? હું હસું છું ? કોણ કહે છે હું હસું છું ? એણે મોંએ હાથ દીધા. એને પોતાના દાંત ઉઘાડા લાગ્યા. એ ખસિયાણો પડી ગયો. એ મોં પર હાથ ઢાંકતો ઊભો રહ્યો - ને બધા જ છોકરા હસવા લાગી પડ્યા. બધાને નવો છોકરો ગાંડો થઇ ગયો લાગ્યોઃ "લે, લે, જો તો પણ. આ તો દાંત જ કાઢી રિયો છે : થાકતો જ નથીઃ શેના માથે દાંત કાઢે છે? આપણી