આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૫
વસુંધરાના વહાલાં-દવલાં
 

પૃથ્વીનો ખોળો હશે. એ મરી ગયો હશે તોય ધરતીની સોડ્યમાં સૂતો હશે. પણ એ જડે તો એને એટલું કે'જો કે એના કાંડાને માથે તળાવડી છે. તળાવડીને પાળે ખીજડી છે.તળાવડીને ને ખીજડીને ભૂલીશ મા. એ આપણને સંઘરનારી ધરતી છે. એ તને જલમ દેનારી માટી છે. આથી વધુ મારે એની હારે કોઈ લેણ્દેણ નથી. ને હું હવે જાઉં છું. તમે મને રોકશો નહિ. તમે રોકશો તો વળતે દી સવારે મારું મડદું જ રહેશે. અમને તો સા'બ, બીજાને ગળાફાંસો દેતાંય આવડે છે તેમ ફાંસી લટકી પડતાંય આવડે છે. તમે નાહક ઊંડા પાણીમાં ઊતરવું રે'વા દ્યો."

"જાવા દ્યો પાપને... નાહક આપણને ખૂનમાં સંડોવશે," કહીને પોલીસ-અમલદારે એને રવાના કરી.

તેજુ અનાથાશ્રમની બહાર નીકળતી હતી ત્યારે એણે છોકરાંને રમતાં જોયાં. છોકરામાંથી કોઈક ધીરે સાદે બોલ્યુંઃ

"આ...પેલો ભાગી ગ્યો ને... એની મા!"

"ઓલ્યો...કૂતરીને ધાવ્યો'તો એની મા ?"

એ બે જણાં લૂલિયો ને ગુલાબડી હતાં. એની પાસે તેજુ પળભર થંભી ગઈ. પૂછું કે ન પૂછું એવી થોડી વારની વિમાસણ પછી એણે હામ ભરવાની હામ ભીડી.

"હં-અં! એને 'સાહેબજીબાપુ'એ લાપોટું મારી'તી. ઈ સલામ નો'તો ભરતો. દાગતરખાનેથી આવ્યા પછી ઈ તો દાંત જ કાઢ્યા કરતો. 'સાહેબજીબાપુ', અમારો રસોઈયો અને બીજાં છોકરાં મારે-કૂટે તોય ઈના દાંત તો બંધ જ ન પડે."

એટલું કહીને પછી બીકનાં માર્યાં લુલિયો ને ગુલાબડી ત્યાંથી પલાયન કરી ગયાં.

જઈને તેજુ એક લીંબડાની છાંયે બેઠી. બેસીને એણે ધરાઈને રોઈ લીધું. રોવાનો સમ્ય એન ટૂંકો હતો. એને પોતાનું પરિયાણ કરવાનું હતું. સાથીઓ એની વાટ જોતાં હશે. વંટોળિયો છૂટે