આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૬
વસુંધરાના વહાલાં-દવલાં
 

તેવા વેગ પકડતૉ તેજુ ઇંદ્રનગર શહેરની જેલ સામે ફરી પાછી આવી. ત્યાં એની સાથે જ છૂટેલ વાઘરીઓ તો નહોતા,પણ એને લેવા આવેલા વાઘરીઓ બેઠા બેઠા ધૂળમાં લીંટા કરતા હતા.

"હવે મને કહો, શું કે'તા'તા તમે? "એમ પૂછતી તેજુના મોં પર કોઈ નવા નિશ્ચયની ગાંઠ હતી.

"છોકરાને જોઈ આવી?"

"જોઈ આવી."

"ઠેકાણાસર છે ના?"

"હા, હવે આપણી વાત કરો."

"તું બાઈ, પાછી સુગાળવી થઈશ નહિ ને?"

"તો પરથમ મેલડીના સમ લ્યો આપણે ચાર જણાં. આપણી ચરચાની જો કોઈ ચાડી કરે તો એને માતા જીવતું ભરખે !"

સૌએ સોગંદ ખાધા. તે પછી એક બુઢ્ઢા વાઘરીએ વાત કાઢીઃ

"તને હવે પીપરડીમાં જાણે કે કોઈ સંઘરશે નહિ, બાઈ ! તારું તો મોત જ છે, બાપા! કેમ કે પરતાપ શેઠને ઘેર ઝાઝે વરસે દીકરો આવ્યો છે. હવે તું ત્યાં ગઈ ને જો એ છોકરાનાં આંખ્ય-માથું ય દુખ્યાં, તો ફરીને તારી રામકા'ણી રહી જવાની !"

તેજુ મૂંગી રહી. એના મૂંગા મોં ઉપર ઘડી વાર આંખો મિચાયેલી રહી. એ પ્રાર્થના કરતી હતી કે શરાપતી હતી - કોણ જાણે ! પ્રાર્થના અને શાપની વિધિ વચ્ચે ઝાઝો ફેર નથી પડતો. પણ એની આંખો મીંચાઈ ત્યારે બેઉ વાઘરીઓ સનકારા કરતા શાંત રહ્યા. પછી બુઢ્ઢાએ આગળ વાત ચલાવીઃ "અમારે તો, બાઈ, તને ઠેકાણે પાડવી છે. તું જો કાં'ક જાતરા-બાતરા તીરથ-સ્નાન કરી આવ્ય તો પછેં અમે તને અમારી નાતમાં બેળવી લઈએ. તારા માથે મોટું પાપ છે. આગળ જેમ હતું તેમ ઠીક હતું, પણ અમારે ને તારે જનમારો કાઢવો આ ઊંચ વરણ હારે. એના ધારાધોરણમાં તો આપણે રે'વું જોવે ને ? એટલે મારું ધ્યાન એમ પોકે છે કે એક વાર તારે તીરથ નાઈ આવવું. વાણિયા-બામણ