આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૦
વસુંધરાના વહાલાં-દવલાં
 


"લ્યો, આ આપણી ચંપલી પાછી આવી." એમ કહેતાં એ તિલકધારીએ કંઠ ગદ્‍ગદ કરી નાખ્યો.

"એ જ મોં! એ જ અણસાર!" સ્ત્રીએ નીરખી નીરખીને જોયું.

"એને ઘરમાં લઈ જ ઈને કાંઈક કપડાં તો રીતસરનાં પહેરાવો? બાપડીને માથે વિપત્તિઓનાં ઝાડ ઊગી નીકળ્યાં છે!"

તેજુને અંદર લઈ જવામાં આવી. થોડી વારે એ જ્યારે બહાર આવી ત્યારે એનો પોશાક સુશિક્ષિત વાણિયણ છોકરીને ટક્કર લગાવે તેવો હતો. એના વાળનો સેંથો મધ્યભાગમાંથી ખસીને એક બાજુ ખેંચાયો હતો. એના હાથમાં બંગડીઓ હતી, કાનમાં એરિંગ હતાં, પગે ઘૂઘરિયાળા છડા હતા.

"કેવી ડાહી દીકરી લાગે છે !" તિલકધારી જોઈ રહ્યા. "હવે અમારો બગડ્યો અવતાર સુધરી ગયો. આ ઘર ને આ સમૃદ્ધિ અમને કાળ જેવાં લાગતાં'તાં - ખાવા ધાતાં'તાં. આજ અમારાં ખોળીયામાં જીવ આવ્યો."

"એને ડાકોરજીની છબી પાસે પગે લગાડી?" તિલકધારીએ શેઠાણીને કહ્યુંઃ "જાવ, લગાડો !"

તેજુને ફરી વાર અંદર લઈ જવામાં આવી ત્યારે તિલકધારીએ કહ્યુંઃ "હવે તમારે ચાલ્યા જવાનું છે."

"અમારું મહેનતાણું?" બુઢ્ઢા વાઘરીએ ઉઘરાણી કરી.

"હા, આ...લ્યો, ઉધારની વાત નહિ."

તેજુ પાછી આવી ત્યારે વાઘરી બોલ્યોઃ "ઠીક બોન, અમે હવે રજા લ ઈએ છીએ."

"ભલે!" કહી તેજુ એમને બહાર સુધી વળાવવા ગ ઈ, ત્યાં જ ઈ એણે કહ્યું: "કાકા જરી ઊભા રે'શો?"

"કેમ? ડરીશ મા. તું ઠેકાણે પડી છો."

તેજુએ પોતાને છેડેથી એક પાવલી કાઢીઃ "આ...આ...શેઠના છોકરાના હાથમાં મારા વતી દઈ આવશો?"