આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૨
વસુંધરાના વહાલાં-દવલાં
 

તારે જાત્રાએ જઈ આવને ! નવો અવતાર મળ્યો છે એને ઊજળો રાખ ને!"

એટલું કહીને આ છોકરીના માતૃ-વિલાપનો ત્રાસ ન સહી શકનારા વાઘરીઓ ચાલ્યા ગયા.

"ટાઢે પાણીએ ખસ ગઈ!" વાઘરી ડોસાએ આ વાક્ય બોલતાં બોલતાં પોતાની કમ્મરે ચડાવેલ રૂપિયા ૨૫ સંભાળ્યા.

"ક્યાં ગયાં? ભગવતી!" એ તિલકધારીએ ઘરની અંદરથી બાઈને બોલાવ્યાં.

"આ રહી, શી આજ્ઞા છે, ભગત?" ભરાવદાર સ્ત્રી-શરીર પાછું દ્વારમાં દેખાયું.


"જાણે કે આપણે આજ રાતના ત્રણ વાગ્યાની ટ્રેન લેવી છે, માટે દીકરી ચંપીને એટલી વાર નીંદર કરાવો. હું જ ઈને જાત્રાની બાકીની સામગ્રી લઈ આવું છું."

"જી, ભલે ભગત!" બાઈએ હાથ જોડીને વિનયશીલ જવાબ વાળ્યો.

પુરુષે ગામમાં જ ઈ તાર ઑફિસની બારી પર તાર લખીને આપ્યો. તાર ડાકોરના એક સંબંધી જન પર રવાના થયો. તારમાં ખબર હતાઃ "આવીએ છીએ. 'પાર્ટી'ને તૈયાર રાખો."

પુરુષ ઘેર પાછો આવ્યો ત્યારે તેજુબાઈ ઘાટી નીંદરનાં નસકોરાં બોલાવતી હતી. યાદ ન આવી શકે એટલા મહિનાની નીંદરે એકઠી થઈને એના અંતર ઉપર કટક ચલાવ્યું હતું. એ નીંદરમાં સ્વપ્નાં પણ નહોતાં સતાવતાં. એને આસ્થા હતી કે, ચકલાંની ઠીબમાં મેં પાણી રેડ્યું છે: મારો છોકરો જ્યાં હશે ત્યાં સુખી હશેઃ ને હું ડાકોરજી જઈને એક જ યાચના કરી લ ઈશ - મારા છોકરાને ઊનો વા વાશો મા ! તેમ છતાંય હે પરભુ! એની આવરદાની દોરી જ તમારે ચોપડે ટૂંકી હોય, તો મારે કાંઇ તમારી જોડે કજિયો કરવો નથી. એને ધરતીમાં ત્રણ હાથની જગ્યા તો કાઢી આપશો ને? એને માથે સમી માટી ઓઢાડજો. બીજું તો કાંઇ નહિ, પણ એના દેહને સમળીઓ ઠોલે નહિ!