આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૩
વસુંધરાના વહાલાં-દવલાં
 


13

તીર્થક્ષેત્રે


આટલી જ પ્રાર્થના કરીને સૂતેલું મન નીંદરના ખોળામાં હવું ફૂલ બની ઢળ્યું હતું. ઘરની બાઈ એ સૂતેલા ફૂલ-દેહ ઉપર રમતા દીવાના કિરણો જાણે કે ગણતી હતી. એની આખો એક કાંટાના બે ત્રાજવા જેવી બની હતી – એક છાબડામાં આ સૂતેલું શરીર હતું ને બીજા પલ્લામાં જાણે કે રૂપિયાની થેલી પછી થેલી ફેલ્વાતી હતી. સૂતેલું શરીર બહુ બહુ તો એક સો રતલ હશે, ને સામા પલ્લાની અંદર ચાર હજાર રૂપિયાનું વજન થઇ ચૂક્યું હતું, છતાં હજુ આ શરીરવાળું પલ્લું ધરતીથી ઉંચું આવતું નહોતું. બાઈ જાણે કે એ દેહને ખરીદવા આવનાર ઘરાકને કહેતી હતી : “નાખો હજુ નાખો, હજુ તો ઘણી વાર છે.”

તિલકધારી પુરુષે બિલ્લી-પગે આવીને આ સૂતેલા શરીરને નીરખતી ઊભેલી બાઈ નિહાળી, બનેએ એકબીજાની નજરનું ત્રાટક બાંધ્યું. બંને બીજા ઓરડામાં જઈને બેઠા. ભીતો પણ ન સાંભળી જાય એવી ધીરી વાત ચલાવી :

“પાછળથી કજિયો-ટટો નહિ, અત્યારથી જ નક્કી કરો”

“તને જેમ ગમે તેમ કરી આપવા તૈયાર છું.”

“ના, ગયે વખતે રૂડકીના કામમાં તે મને મોટો રેસ આપેલ છે.”

“અરધોઅરધ”

“બહુ વધુ પડતી વાત કરો છો.”

“ચાલાકી કર માં.”

“તારી જીભે કબૂલ, બસ?”

“ઉતાવળ કરવી નથી. જોઈ તો છે ને બરાબર? સસ્તી નથી કાઢી નાખવી.”

“ના, તમે ઝાઝો વખત પણ નથી જવા દેવો. ક્યાંક મરી રે’શુ?”