આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

લાડકોર અને નરોત્તમ ફાટી આંખે આ જોઈ રહ્યાં.

‘ચાલો હવે આપણે ઘોડો ઘોડો રમીએ,’ કહીને ઓતમચંદે તો ઓરડામાં રીતસર ચાર પગે આમથી તેમ ફરવા માંડ્યું.

સાચા ઘોડા પર નહીં તોય પિતાની પીઠ પર સવારી કરવાનું મળ્યું તેથી રડતો બટુક શાંત થઈ ગયો.

હજી પણ નરોત્તમ અને લાડકોર તો આ વિચિત્ર દૃશ્ય મૂંગાં મૂંગાં અવલોકી જ રહ્યાં હતાં.

પણ પોતાનું ઘોડેસવારીનું વેન ભાંગતાં બટુક એવો તો ગેલમાં આવી ગયો હતો કે એ ઘડીભર તો ભૂલી ગયો કે પોતે ચોપગા ઘોડા ઉપર નહીં પણ પિતાની પીઠ પર ભારરૂપ થઈ રહ્યો છે. એણે તો સવા૨ીની ઝડપ વધારવા ઓતમચંદની પીઠ પર સોટી પણ સબોડી દીધી.

આ જોઈને નરોત્તમ અકળાઈ ઊઠ્યો પણ કશું બોલી શક્યો નહીં. પણ લાડકોરથી તો હવે ન જ રહેવાયું. એણે ઠપકાભર્યા અવાજે પતિને કહ્યું:

‘આ તે તમે કેવી રમત માંડી છે ! છોકરાને અત્યારથી આવાં ખોટાં લખણ શીખવાતાં હશે ? ને દીકરો ઊઠીને બાપને સોટી મારે એ શોભતું હશે ?’

‘પણ આમાં ક્યાં સાચે જ સોટી મા૨વાનું છે ?’ હજી પણ નીચી મુંડીએ ચોપગાની જેમ આમથી તેમ ફરી રહેલા ઓતમચંદે ઊંચે જોઈને પત્નીને જવાબ આપ્યો: ‘આ તો અમે બેય જણા ઘોડો ઘોડોની રમત રમીએ છીએ.’

‘આવી રમત તે કાંઈ ૨માતી હશે ?’ લાડકોરે વધારે ઉગ્ર અવાજે પૂછ્યું.

‘રોતા છોકરાને છાનો રાખવો હોય તો રમવી પડે.’ ઓતમચંદે કહ્યું.

‘અણસમજુ છોકરું તે રૂવેય ખરું, પણ એમાં ક્યાં સાચાં મોતીનાં

૧૦૬
વેળા વેળાની છાંયડી