આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આંસુ ખરી જતાં હતાં ?’ લાડકોરે કહ્યું, ‘આજથી છોકરાને આવાં લાડચાગ કરાવો છો તો મોટા થાતાં આકરાં પડશે. દીકરો ઊઠીને બાપને સોટી મારે એવાં લાડ તો મલકમાં ક્યાંય જોયાં નથી.’

‘ઠીક લ્યો !’ કહીને ઓતમચંદે પત્નીને શાંત પાડવા ખાતર પુત્રને કહ્યું, ‘બેટા, હવે ધીમે ધીમે સોટી મા૨જે હો ! આ ઘોડાને બહુ ચમચમે છે—’

અને ફરી એ ઝડપભેર ઓ૨ડા આખામાં ચાર પગે ઘૂમવા લાગ્યો.

ઓતમચંદની આંખમાંથી જે વાત્સલ્ય નીતરતું હતું એ જોઈને લાડકોરની જીભ સિવાઈ ગઈ. હવે એ કશી ટીકા કરી શકે એમ નહોતી. આવું વિચિત્ર દશ્ય જોઈને એનું હૃદય દ્રવી ઊઠ્યું. આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. એ આંસુમાં રહેલી અનુકંપા વહાલસોયા પુત્ર પ્રત્યેની હતી કે પુત્રથીય અદકા સરલહૃદય એવા પતિ પ્રત્યેની હતી એ કહેવું મુશ્કેલ હતું.

આવું હૃદયસ્પર્શી દૃશ્ય જોઈને નરોત્તમ એટલો તો લાગણીવશ થઈ ગયો કે એ બહાર ઓશરીમાં ચાલ્યો ગયો. ઘણા દિવસથી મનમાં ઘોળાતી મૂંઝવણ એને ગૂંગળાવી રહી ગઈ. કાલની અનેકાનેક ચિંતાઓ જાણે કે એકસામટી ધસી આવી.

નરોત્તમની આંખ સામે સોનચંપાના ફૂલ સમી વાગ્દત્તા ચંપા ચમકી ગઈ… એ વાગ્દાન તૂટવાની તૈયારીમાં છે એવા ગામગપાટા કાનમાં ઘણના ઘા મારી ગયા… અસહાય છતાં અસીમ ઔદાર્યની મૂર્તિ સમા મોટા ભાઈ આવી ઊભા… અણસમજુ બટુક અને ગૃહલક્ષ્મી લાડકોરની મૂર્તિ આંખ સામે ખડી થઈ… અને પ્રેમ, જવાબદારી, ફરજ વગેરેનાં વિવિધ બળો વચ્ચે નરોત્તમ ખેંચાવા લાગ્યો. ભવિષ્ય જાણે કે સાવ અંધકારમય લાગ્યું. પ્રકાશકિરણ શોધવા એણે બહુ બહુ પ્રયત્નો કર્યા. અનેક મથામણો કરી… અને સમજાયું કે આવી ક્રૂર વાસ્તવિકતાઓ પ્રત્યે આંમિચામણાં કરીને બેસી રહેવાનું ન

ભાભીનો દિયર
૧૦૭