આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘કાં, માસા ? ઓળખાણ પડે છે ?’

‘કોણ, ભાઈ ?’ હાથની છાજલી જરા નીચી ઉતારીને માસાએ ઝીણી આંખે નજર કરતાં પૂછ્યું.

‘બસ ! ભૂલી ગયા ?’ નરોત્તમે પૂછ્યું, ‘વાઘણિયાવાળા કોઈ સગા યાદ આવે છે ?’

માસા જરા ચમક્યા. પછી બોલ્યા: ‘કોણ ? ઓતમચંદ કરીને—’

‘હા, હા. ઓતમચંદભાઈ વાઘણિયાવાળા.’

‘સાચા, સાચા. ઓતમચંદ તો લાખનું માણસ. એને કેમ ભુલાય ?’ કહીને માસાએ ઉમેર્યું: ‘પણ હમણાં બિચારા બવ ભીડમાં આવી ગયા, એમ સાંભળ્યું. સાચી વાત ?’

‘હા, માસા,’ નરોત્તમે કહ્યું. ‘જરાક ધક્કો લાગી ગયો—’

‘એમ જ હાલે એ તો. વેપારમાં તો આવે ને જાય,’ માસાએ વેદાંતીની ઢબે ફિલસુફી ડહોળી. ‘એનો હરખ પણ નહીં ને અફસોસ પણ નહીં.’

‘માસાના ખંધા ચહેરા સામે તાકીને નરોત્તમ મૂંગો મૂંગો ઊભો રહ્યો એટલે થોડી વારે માસા જ ઓચર્યા:

‘ઠીક, લે ભાઈ, મારે દરસનમાં મોડું થાશે તો ઝાંખી નહીં થાય.’

અને નરોત્તમ કશુંક કશુંક બોલે-કારવે એ પહેલાં તો માસાએ ચલતી પકડી.

અને નરોત્તમના મનમાં મનમાં જે રહ્યોસહ્યો ભ્રમ હતો એ પણ ભાંગી ગયો. સીધો એ પોસ્ટ ઓફિસ તરફ ઊપડ્યો. આ વખતે એણે એક પૈસાવાળું પોસ્ટકાર્ડ લેવાને બદલે બે પૈસાવાળું પરબીડિયું જ ખરીદ કર્યું અને લાંબી લેખણે વિગતવાર પત્ર લખી નાખ્યો:

વડીલ મોટા ભાઈની સેવામાં,

અહીં આવ્યા પછી પહોંચનું પતું લખેલું એ મળ્યું હશે. આજે

કીલો કાંગસીવાળો
૧૧૫