આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દામોદર માસાને ઘેર ગયો હતો. મને જોઈને માસા તથા માસી તો અરધાં અરધાં થઈ ગયાં. તમારાં તથા ભાભીનાં ખેમકુશળ પૂછ્યાં. હું માસાને ઘેર ઊતરવાને બદલે બહાર ઊતર્યો એથી એમને બહુ ખોટું લાગ્યું. મને કહ્યું કે, અમારું ઘર એ ઓતમચંદનું જ ઘર ગણજે, જરાય જુદાઈ જાણીશ મા. મેં કહ્યું કે ભલે તમારે ઘેરે પણ વખતોવખત આવતો રહીશ. મારે લાયક કાંઈ કામધંધો ગોતી આપવાનું માસાએ કહ્યું છે. માટે એ વિશે ફિકર કરશો નહીં. મારું પાકું સરનામું હવે પછીના કાગળમાં લખીશ.

બટુક માટે નાનકડી ઘોડાગાડીની તપાસ રમકડાંવાળાની દુકાન કરું છું. મળશે એટલે કોઈ સથવારે મોકલી આપીશ. બટુક મને વારે ઘડીએ યાદ આવ્યા કરે છે. એનું મન રાજી થાય એવી મજાની ઘોડાગાડી મોકલીશ.

મારાં ભાભીને મારાં પગેલાગણ કહેશો. એનું મન કોચવીને હું અહીં આવ્યો છું પણ મને અહીં કોઈ વાતની મૂંઝવણ નથી એમ કહેજો. એમની આશિષે અહીં બધી વાતની સરખાઈ આવી જશે ને થોડાં વરસમાં આપણે સહુ તરી જઈશું.

હમણાં તો કામધંધાની તપાસમાં ફરું છું, એટલે મારો કાગળ વહેલોમોડો થાય તો ફિકર કરશો નહીં.

લિખિતંગ,

નરોત્તમનાં પગેલાગણ
 


હવે નરોત્તમને શહેરના રંગરાગ જોવામાં રસ ન રહ્યો. શહેરના રાજમાર્ગો કે શેરીઓમાં રખડવાને બદલે એ રેલવે સ્ટેશને જ લટાર મારવા લાગ્યો. આવતી-જતી ટેઇન જોઈને એ આહ્‌લાદ અનુભવતો. લાંબા પ્લૅટફૉર્મના એક છેડાથી બીજા છેડા સુધી નિરુદ્દેશ આંટા મારવામાં અને આનંદ આવતો. સામાન જોખવાનો કાંટો,

૧૧૬
વેળા વેળાની છાંયડી