આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સિગ્નલનો હાથલો વગેરે યાંત્રિક કરામતો નરોત્તમને અદ્ભુત લાગતી હતી. અને એથીય વધારે રસભરપૂર તો હતી પ્લૅટફૉર્મ પરની નાનીસરખી દુનિયા.

આ દુનિયામાં વસાહતીઓની સંખ્યા તો બહુ નાની હતી. પણ એમાંના એકેએક પાત્રને પોતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ હતું. સ્ટેશનમાસ્તરથી માંડીને સાંધાવાળો અને સાકરિયા દૂધપેંડા વેચનારથી માંડીને પાણીની પરબ પર બેસનાર ડોસી સુધીનાં પાત્રો પાસે પોતપોતાની જીવનકલા હતી. દિવસ-રાત પ્લૅટફૉર્મ પર પડી રહીને ગાંજોચરસ ફૂંક્યા કરનાર દાવલશા ફકીર, દેખીતો પાગલ છતાં ડહાપણના ભંડાર સમો ભગલો ગાંડો, ગણવેશ પર બિલ્લા લગાવીને મજૂરી કરનાર પૉર્ટરો, આ સ્ટેશનની દુનિયાનાં નમૂનેદાર પાત્રો હતા. તેમાં શિરમોર સમું પાત્ર હતું કીલા કાંગસીવાળાનું.

આ કીલા કાંગસીવાળાનું અનોખું વ્યક્તિત્વ નરોત્તમ પર કામણ કરી ગયું.

કીલાનું મૂળ નામ તો હતું કીલાચંદ કામદાર. પણ આવડું મોટું ને માનવાચક નામ તો હવે ખુદ કીલાને પણ યાદ નહી રહ્યું હોય. ગામ આખામાં એ ‘કીલા કાંગસીવાળા’ તરીકે જ જાણીતો હતો. ‘કાંગસીવાળા’ના વ્યવસાયસૂચક ઇલકાબની પાછળ પણ સમાજશાસ્ત્રીઓ માટે રસનો વિષય થઈ પડે એવો એક રસિક ઇતિહાસ પડ્યો હતો:

કહેવાતું કે કીલો નાનપણમાં સોનાને ઘૂઘરે ૨મેલો. એક વેળા દોમદોમ સાહ્યબીમાં ઊછરેલા આ માણસે દરિદ્રતા પણ ઝિદાદિલીથી જીરવી જાણી હતી. સ્વમાનભેર રોટલો રળવા માગતો કીલો કિસમ કિસમના વ્યવસાયો કરી ચૂક્યો હતો. દિવાળીના દિવસોમાં એ ફટાકડાની ફેરી કરે, કેરીની મોસમમાં કેરીની વખાર નાખે અને આડે દિવસે શેરીએ શેરીએ ફરીને કાચની બંગડી પણ વેચે. પેટગુજારા

કીલો કાંગસીવાળો
૧૧૭