આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બોલાવે. કોઈ સાથે માસી-ભાણેજનું સગપણ શોધી કાઢે. ઘરનાં છોકરાં જેમને ફઈબા કહીને બોલાવતાં હોય એમને કીલો પણ સગાં ફઈબા ગણીને જ સંબોધે. ‘કાં ભાભુ, કાંગસી આપું કે ?’ ક૨તોકને કીલો મોઢું ભરાઈ જાય એવા માનવાચક સંબોધનો સાથે હાજર થાય. પછી, પોતાને વેપારની બહુ પડી નથી, એવું સૂચવવા એ પોતે સાધ્ય કરેલી બૈરક બોલીમાં અલકમલકના ગપાટા હાંકીને ઘરનાં માણસો સાથે સાહજિકતાથી ઘરોબો કેળવી લ્યે. વચ્ચે સિફતપૂર્વક પોતાના માલની પ્રશસ્તિ ઘુસાડી દિયે: ‘આ ઓલી વાઘરણ વેચી જાય છે એવા ભાલા જેવા ખંપારા નથી, હોં ભાભુ ! આ તો અસ્સલ વિલાયતનો નંબરી માલ છે, નંબરી.’ પછી, આ વાતોડિયા માણસના વાણીપ્રવાહમાં ભીંજાયેલાં ભાભુની દેન નહીં કે એની પાસેથી કાંગસી ખરીદ કર્યા વિના રહી શકે.

સમય જતાં કાંગસીના ધંધામાં પણ હરીફો ઊભા થતાં આ વેપારમાંથી કસ ચાલ્યો ગયો અને પરિણામે કીલો બીજા ‘હુન્નર’ તરફ વળ્યો. આ દરમિયાન કાઠિયાવાડમાં રેલવેના નવા નવા ફાંટા નંખાતા જતા હતા અને લોકો પણ પગપાળા કે ગાડામાર્ગે જવાને બદલે ઇંજિનવાળી ગાડીમાં પ્રવાસ કરતાં થયેલાં તેથી રાજકોટ જંક્શનનું વેપારી દૃષ્ટિએ મહત્ત્વ વધતું જતું હતું. સમયપારખુ કીલાએ અગમબુદ્ધિ વાપરીને જંક્શન ઉ૫૨ રમકડાંની ફેરી કરવા માંડી. પણ ‘કાંગસીવાળા’ તરીકેનું એનું જૂનું બિરુદ તો કાયમ જ રહેલું અને લોકોમાં—ખાસ કરીને સ્ત્રીવર્ગમાં — કીલાની લોકપ્રિયતા પણ અકબંધ રહેલી. રાજકોટ શહેરમાં તો કીલો એક જાહેર વ્યક્તિ તરીકે જાણીતો હતો જ, પણ રેલવે જંક્શન ૫૨ રમકડાંની રેંકડી ફેરવવા માંડી ત્યારથી એ ગામ-પરગામના પ્રવાસીઓમાં પણ લોકપ્રિય થઈ પડ્યો.

કીલાની રમકડાંની રેંકડી નરોત્તમ ઉ૫૨ કામણ કરી ગઈ. આ રેંકડીમાં મહુવાના સંઘાડિયાઓએ ઉતારેલાં રંગબેરંગી રમકડાં હતાં:

કીલો કાંગસીવાળો
૧૧૯