આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કીલો પોતાનું કામ કરતાં કરતાં ત્રાંસી નજરે નરોત્તમને અવલોકી રહ્યો.

નરોત્તમ રેંકડીમાંની ઘોડાગાડી તરફ તાકી રહ્યો. રમકડું હાથમાં લઈને ફરી વાર ભાવપૂર્વક તપાસી જોવાનું એને મન થયું, પણ એ વખતે એની હિંમત ન ચાલી.

કીલો આ વિચિત્ર લાગતા ગ્રાહક તરફ સમભાવપૂર્વક તાકી રહ્યો.

સારી વાર સુધી નરોત્તમ રેંકડી સામે ઊભો રહ્યો. પછી એક નિઃશ્વાસ મૂકી પાછો ચાલ્યો.

કીલાએ એને હાક મારી: ‘કાં મોટા ! ઓરો આવ્ય, ઓરો.’

અવાજમાં રહેલી ઉષ્મા પારખીને નરોત્તમ પાછો વળ્યો.

કીલાને લાગ્યું કે આ કોઈ ફાલતુ માણસ નથી. દિવસો થયા એ પ્લૅટફૉર્મ પર આંટા માર્યા કરે એમાં કશોક ભેદ છે. અને એ ભેદ જાણવો જ જોઈએ, એમ વિચારીને એણે નરોત્તમને ભાવપૂર્વક પોતાની બાજુમાં બેસાડ્યો.

‘કયું ગામ ? ક્યાં રહેવું ? નાતે કેવા ?’ જેવી ઔપચારિક પૂછગાછથી જ ન અટકતાં કીલો આ આગંતુકના જીવનમાં વધારે ઊંડો ઊતર્યો. જેમ જેમ વધારે પૃચ્છા કરતો ગયો તેમ તેમ હજી વધારે વિગતો જાણવાની એની આતુરતા વધતી ગઈ.

નરોત્તમ પણ સમભાવપૂર્વક પુછાતા પ્રશ્નોના ઉત્તરો નિખાલસતાથી આપતો ગયો.

વાતમાં ને વાતમાં કીલાએ નરોત્તમ સાથે સાત-આઠ પેઢીનું દૂર દૂરનું સગપણ શોધી કાઢ્યું કે આપણે બેય તો એક જ ગોતરિયા છીએ એટલે કુટુંબી ગણાઈએ.

આ સાંભળી નરોત્તમનો રહ્યોસહ્યો સંકોચ પણ દૂર થઈ ગયો અને એણે મોકળે મને પોતાની આપવીતી કહેવા માંડી. હવે તો બંને જણા એવું તો ઐક્ય અનુભવી રહ્યા કે કીલાએ પણ વચ્ચે વચ્ચે

૧૨૨
વેળા વેળાની છાંયડી