આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કશુંક બખડજંતર કરીને આવ્યો છે. એથી વધારે જાણભેદુઓ વળી જુદી જ વાત કહેતા હતા: દકુભાઈના કંધોતર અને કરમી દીકરા બાલુએ બાપની ગેરહાજરીમાં ગામમાં કબાડું કરેલું — લોકવાયકા પ્રમાણે કોઈ આહીરાણીને ‘હરામના હમેલ’ રહી ગયેલા—તેથી પુત્રના એ પરાક્રમને ભીનું સંકેલવા પિતાએ અંતરિયાળ દેશની વાટ પકડવી પડેલી. એક અનુમાન એવું પણ હતું કે ઓતમચંદના ઘ૨માં ધામો મારીને કાયદાની બીકે બર્મા ભાગી ગયેલા દકુભાઈને હવે કોર્ટનું કાંઈ લફરું થવાની બીક ન હોવાથી બેધડક પાછા આવતા રહ્યા હતા. ગમે તેમ હોય, પણ દકુભાઈ આ ફેરે ઓટીવાળ દીકરાને વરાવી–પરણાવીને ઠેકાણે પાડવા કૃતનિશ્ચય બનીને આવ્યા હતા એ તો ચોક્કસ; કેમ કે, ઈશ્વરિયામાં પગ મેલતાંની વાર જ એમણે મકનજી મુનીમને બાલુ માટે કાણી-કૂબડી, બાડી-બોબડી કોઈ પણ કન્યા શોધી લાવવાનું ફરમાવી દીધેલું, અને કહ્યાગરો મુનીમ પણ દકુભાઈ શેઠની સમૃદ્ધિનાં ગુણગાન દિગંતમાં ફેલાવતો ફેલાવતો ગામડે ગોઠડે ફરવા લાગેલો.

દકુભાઈની આ નૂતન સમૃદ્ધિની ખ્યાતિ કર્ણોપકર્ણ લાડકોરના કાન સુધી આવી પહોંચેલી. જે જમાનામાં ગોરા સાહેબોની મડમો સિવાય બીજાં કોઈ લોકો બાળકોને બાબાગાડીમાં બેસાડીને ફરવા નીકળતાં જ કૌતુકભર્યું વિદેશી વાહન કોઈ અપવાદરૂપ પારસી કુટુંબ સિવાય હિંદમાં હજી અપનાવાયું નહોતું, એવે સમયે દકુભાઈ પોતાના નાનકડા બાબા માટે છેક બર્માથી રંગીન બાબાગાડી લેતો આવેલો અને આખા ઈશ્વરિયાનાં લોકોને આંજી નાખેલાં. પહેલે દિવસે નાનકડા બાબાને આ ગાડીમાં બેસાડીને દકુભાઈ ઈશ્વરિયાની ઊભી બજારે નીકળ્યો ત્યારે બજારનો રસ્તો જાણે કે એને સાંકડો પડતો લાગ્યો. જન્મારામાં પણ જે લોકોએ બળદગાડાં સિવાય બીજું કોઈ ગાડું જોયું નહોતું એમને આ નવતર વાહન વિસ્મયકારક લાગેલું. આ ઉપરાંત દકુભાઈ બર્મી બનાવટનાં જે રંગબેરંગી રમકડાં લાવેલો એ

મારો માનો જણ્યો!
૧૨૭