આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પસાયતા ઘોડા લઈને આવી પહોંચ્યા હતા. ઓતમચંદ આ બધું સમજવાનો પ્રયત્ન કરે એ પહેલાં તો એક પસાયતાએ એને અડબોથ મારી દીધી હતી.

‘સાલ્લા ચોરટા મલકના !’ પસાયતો કહેતો હતો, ‘પારકા ગામમાં આવીને આવા ગોરખધંધા કરે છે ?’

‘પણ છે શું ભાઈસા’બ ?’ ઓતમચંદે પૂછ્યું, ‘મારો કાંઈ વાંકગનો ?’

‘વાંકગનાની પૂંછડી ! તારી વાણિયાગત અમારી આગળ નહીં હાલે.’ પસાયતાએ દમદાટી દીધી. ‘સીધો થઈને રૂપિયા સંધાય ગણી દે.’

‘શેના રૂપિયા ? કોના રૂપિયા ?’

‘શાવકા૨ની પૂંછડી થા મા, સાલા ડફેર ?’ એક પસાયતાએ ઓતમચંદના પડખામાં ઠોંસો લગાવતાં કહ્યું, ‘દકુભાઈની ઓસરીમાંથી કોથળીસોતા રૂપિયા લઈને—’

‘નહીં ભાઈસા’બ ! તમે માણસ ભૂલ્યા—’

‘હવે મૂંગો રે મૂંગો, માળા ભામટા અમને ઊઠાં ભણાવવા નીકળ્યો છો ! અમારા ગુરુ થવા બેઠો છો ?’ હવે બીજા પસાયતાએ પ્રહારો સાથે ગાલિપ્રદાન શરૂ કર્યું.

‘પણ આમાં કાંઈ સમજફેર થાતી લાગે છે,’ ઓતમચંદે બચાવ કર્યો, ‘કોકનું આળ મારા ઉપર—’

‘સમજફે૨ શેની થાય ?’ પસાયતાએ કહ્યું, ‘દકુભાઈ શેઠે દીધાં ઈ સંધાંય એંધાણ આ રિયાં… આ ચોમાહાની ધરો જેટલી વધેલી દાઢી… આ કોરી ગજીનું કડિયું ને આ બગહરાની પછેડી… ઝાંપામાંથી તું નીકળ્યો તંયે જ અમને તો વેમ ગયો’તો કે કોકના ઘરમાં ધામો મારીને નીકળ્યો છે. ત્યાં તો દકુશેઠે જ દોડતા આવીને વાત કરી કે ધોળે દીએ રૂપિયાની કોથળી ઉપાડીને એક વાણિયો ભાગ્યો છે.’

‘પણ એ હું નહીં, બીજો કોક હશે.’

‘તમારું ડાહી માના દીકરાનું ડહાપણ આ ડંગોરા પાસે નહીં હાલે

‘મલકનો ચોરટો’
૧૪૫