આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘શું હશે ? કોણ હશે ? શું થયું હશે ?’ એવી ફિકર કરતાં કરતાં હીરબાઈ ઓરડામાં ગયાં ને ઝટ ઝટ ખાટલો ઢાળીને માથે ધોળીફૂલ ધડકી બિછાવી દીધી.

ચંપા મૂંગી ઇંતેજારીથી આ બધું અવલોકી રહી.

વાડાના ખુલ્લા બારણામાંથી ઢોર ધસારાબંધ અંદર ધસી આવ્યાં.

એમની પાછળ ખભે બાંધેલી પછેડીની ફાંટના વજનથી સહેજ વાંકો વળી ગયેલ એભલ આહીર દાખલ થયો.

આહીરાણીએ મૂંગા મૂંગા આંખના અણસા૨થી જ પતિને ઓરડામાં ખાટલા ભણી દોર્યો.

ખંધોલે ભારેખમ ભાર ઉપાડીને થાકી ગયેલા એભલે ખાટલા ૫૨ પછેડીની ફાંટ છોડતાં છોડતાં જ શ્વાસભેર પત્નીને હુકમ કર્યો.

‘ચૂલે દેવતા કરો, દેવતા… ને ખોરડેથી બેચાર નળિયાં ઉતારી લ્યો ઝટ. શેક કરવો પડશે.’

‘છે શું પણ ?’ હીરબાઈએ ગભરાતાં ગભરાતાં પૂછ્યું.

‘જુઓ આ !’ ખાટલા ૫૨ એક બેશુદ્ધ માનવશરી૨ને સુવડાવતાં એભલે કહ્યું.

‘આ કોણ ?’ દૃશ્ય જોઈને હી૨બાઈ ધ્રૂજી ઊઠ્યાં.

‘હું ક્યાં ઓળખું છું ?’

‘ક્યાંથી લઈ આવ્યા ?’

‘ખળખળિયાને કાંઠેથી,’ એભલે કહ્યું.

આટલું સાંભળીને ચંપાની જિજ્ઞાસા વધતાં એ ઉંબરા નજીક આવી ઊભી.

‘પણ જણ બોલતોચાલતો કાં નથી ?’ હીરબાઈએ પૂછ્યું.

‘આમ, અવાચક જ પડ્યો’તો,’ એભલે કહ્યું, ‘હું ડુંગરની ધારેથી ઢોરાં લઈને ઊતર્યો ને ખળખળિયામાં પગ મેલવા જાતો’તો ત્યાં આંબલી નીચે કોક આડું પડીને સૂતું હોય એમ લાગ્યું. પે’લાં તો મને થયું કે

૧૫૪
વેળા વેળાની છાંયડી