આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જાળવવા મથે છે ? આ પ્રશ્ન ચંપાને મૂંઝવતો રહ્યો. શંકિત અને વ્યથિત હૃદયે એણે ડેલીના ઉંબરામાં પગ મૂક્યો ત્યાં જ ઓસરીમાંથી ઉચ્ચારાયેલા શબ્દ એના કાન ૫૨ અથડાયા:

‘ઓતમચંદ જ, બીજું કોઈ નહીં—’

‘ભિખારો ને ભામટો…’

‘ચોરનો સરદાર—’

મનસુખમામાના શહેરી લહેકા ઓળખાતાં ચંપા સમજી ગઈ કે બાપુજી ઈશ્વરિયેથી ‘કંકુના’ કરીને પાછા આવી ગયા છે.

હિંડોળા પર હીંચકી રહેલા કપૂરશેઠ બોલતા હતા:

‘તમે મર ન માનો મનસુખલાલ, પણ મને તો લાગે છે કે ઓતમચંદ શેઠ જેવો અમીર માણસ આવું કરે નહીં.’

ચંપાએ આ બંને ઉક્તિઓ સાંભળી અને ચુપચાપ સીધી રસોડામાં જ દાખલ થઈ ગઈ.

‘ચૂલે આ શું મૂક્યું ?’ ચંપાએ જસીને પૂછ્યું.

‘લાપસીનું આંધણ !’ હરખાતાં હરખાતાં જસી બોલી.

‘સમજી ! બાપુજી આજે બેનબાના ચાંલ્લા ક૨ીને આવ્યા લાગે છે !’

જસીએ હકારમાં ગર્વભર્યું સ્મિત વેર્યું.

‘ઓતમચંદ વળી અમીર શેનો ? હતો તે દી હતો. આજે તો ભૂંડે હાલ થઈ ગયો છે,’ ઓસરીમાંથી મનસુખલાલનો અવાજ સંભળાતો હતો. ‘સોનું દેખીને તો મુનિવર પણ ચળે… તો પછી એના જેવો મુફલિસ માણસ તો રૂપિયાની રેઢી કોથળી બગલમાં જ મારે ને !’

‘કોણ જાણે પણ મારે ગળે આ વાત ઊતરતી નથી,’ કપૂરશેઠ કહેતા હતા.

સંતોકબા પોતાની આદત મુજબ ઉંબરે બેઠાં બેઠાં આ વાતનું રહસ્ય ઉકેલવા મથી રહ્યાં હતાં.

જસી જ્યારે ઝટપટ લાપસી રાંધી નાખવામાં રોકાઈ હતી ત્યારે

૧૬૪
વેળા વેળાની છાંયડી